કોડીનારમાં ગતરાત્રે ટ્રક ચાલકે દિવ્યાંગ પ્રૌઢને અડફેટે લેતા પ્રૌઢના હાથ-પગ કચડાઇ જતા ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અગાઉ આ પ્રૌઢે અકસ્માતમાં જમણો પગ ગુમાવ્યો હતો ત્યારે ગતરાત્રે સર્જાયેલ અકસ્માતમાં તેમનો ડાબો હાથ અને ડાબો પગ કચડાયો હતો. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી હતી.
કોડીનારમાં મોટાભાગના વાહનો બાયપાસને બદલે શહેરમાંથી પસાર થતા હોય છે. બાયપાસ પર દુદાણા ગામ પાસે આવેલ પુલ અતિ જર્જરિત બન્યો છે. જેના કારણે આ પુલ પરથી ભારે વાહનોને પસાર થવા પર પ્રતિબંધ છે. એક તરફ હાઇ-વે ઓથોરિટી આ પુલની મરામત કરતી નથી જેના કારણે ભારે વાહનો શહેરમાંથી પસાર થતા હોય, અકસ્માતની ઘટનાઓ બને છે. ત્યારે આ પુલની મરામત કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.