કોડીનાર તાલુકાના છારા ગામના દરિયાકાંઠે શાપુરજી પાલોનજી ગ્રુપની સીમર પોર્ટ પ્રા. લી. દ્વારા અંદાજે રૂ. ૪૦૦૦ કરોડના ખર્ચે નિર્માણ પામનાર સોલિડ કાર્ગો જેટી યોજના અંગે શનિવારે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) દ્વારા પર્યાવરણ લોક સુનાવણી યોજાઈ હતી. ગીરસોમનાથ જિલ્લા નિવાસી કલેક્ટર રાજેશ આલ અને જી.પી.સી.બી.ના અધિકારી એસ.બી. પરમારના અધ્યક્ષ સ્થાને આ સુનાવણી છારા ખાતે પ્રોજેક્ટ વિસ્તારમાં યોજાઈ. આ પ્રોજેક્ટ હેઠળ કોલસો, ચૂનાનો પથ્થર, ક્લિંકર સહિત વિવિધ કાર્ગોનું સંચાલન ૮ એમ.ટી.પી.એ. વોલ્યુમ પર કરવાનું આયોજન છે. સુનાવણીમાં છારા, સરખડી, કડોદરા, પીપળી સહિતના આસપાસના ગામોના સ્થાનિક લોકોએ પ્રોજેક્ટને આવકાર્યો હતો, પરંતુ સાથે જ નવી રોજગારીની તકો, ખાસ કરીને જમીન ગુમાવનાર ખેડૂતોના પરિવારને રોજગારીમાં પ્રાથમિકતા, વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા અને પર્યાવરણીય જાગૃતિના કાર્યક્રમો યોજવાની પ્રબળ માંગ કરી હતી.