કોડીનારના છાછર રોણાજ રોડ ઉપર એક બાઈક પર યુવાન વૃધ્ધાને લઈ અને છાછર થી કોડીનાર જતા હતા ત્યારે રસ્તામાં અચાનક એક ગાય આડે ઉતરતા અકસ્માત સર્જાયો હતો. આ અક્સ્માતમાં બાઈક ફંગોળાઈ જતાં રસ્તા પર બંને પડી ગયા હતા અને યુવાનને નાક, મોઢા, હાથમાં છોલાણ તેમજ વૃદ્ધ મહિલાને પણ કમરના ભાગે તેમજ શરીરની અલગ અલગ જગ્યાએ ગંભીર ઈજા થઈ હતી. આ અક્સ્માતમાં બાઈકનો બુકડો બોલી ગયો હતો. દરમ્યાન રસ્તા પરથી પસાર થતા પીજીવીસીએલ કોડીનારમાં નોકરી કરતા કર્મચારી દીપક ગોહિલે રસ્તા પર આ અકસ્માત જોતાની સાથે તરત તેઓ પોતાની બાઈક સાઈડમાં રાખી અને વૃધ્ધ મહિલા સવિતાબેન વલ્લભભાઈ ચાવડા તેમજ તેમના દીકરા મુકેશભાઈ વલ્લભભાઈ ચાવડા પાસે જઈ હિંમત આપી અને સાઇડ પર લઈ તાત્કાલિક ઈમરજન્સી ૧૦૮ ને ફોન કર્યો હતો. ૧૦૮ દ્વારા બન્ને ઇજાગ્રસ્તોને સૌપ્રથમ કોડીનારની રા.ના.વાલા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને આ અંગેની તેમના સગાઓને જાણ કરી હતી. જેથી તેમનાં પરિવારજનો પણ હોસ્પિટલે દોડી ગયા હતા. આમ એક યુવાને માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડયુ હતું.