કોડીનાર તાલુકાના કરેડા ગામે મુખ્ય પ્રવેશદ્વારનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રવેશદ્વાર ગામના જ સ્વર્ગસ્થ અગ્રણી રામભાઈ વશરામભાઈ વાઝાની કાયમી યાદગીરી રૂપે તેમના પુત્ર વજુભાઈ વાઝાએ રૂ.૫ લાખથી વધુના સ્વખર્ચે બનાવ્યું હતું. આ પ્રવેશદ્વાર ૧૭ ફૂટ પહોળું અને ૧૭ ફૂટ ઊંચુ તેમજ બળેજના નકશીદાર પથ્થરોથી બનાવ્યું છે. કડવીબેન રામભાઈ વાઝા અને મંજુલાબેન વજુભાઈ વાઝાના હસ્તે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પ્રવેશદ્વારનું પૂજન કરાવી કોડીનાર નગરપાલિકાના ઉપપ્રમુખ શિવાભાઈ સોલંકીના હસ્તે લોકાર્પણ કરાયું હતું. આ સામાજિક પ્રસંગે ગામના તમામ સમાજના અગ્રણીઓ, યુવાનો અને બહેનો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના પ્રારંભે સરપંચ સુમિત્રાબેન રમેશભાઈ સોસાએ સૌનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે કોડીનાર તાલુકા ભાજપ પ્રમુખ જીતુભાઈ બારડ, તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ ભગુભાઈ પરમાર, કોડીનાર માર્કેટિંગ યાર્ડ ચેરમેન સુભાષભાઈ ડોડીયા, શહેર ભાજપ પ્રમુખ અજયભાઈ પરમાર, કોડીનાર તાલુકા ખરીદ વેચાણ સંઘ પ્રમુખ દિલીપભાઈ મોરી, સંગ્રામભાઈ વાઝા (નિવૃત્ત પી.એસ.આઈ) સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.








































