કોડીનારમાં લોહાણા મહાજન પ્રેરીત જલારામ સેવા અને સત્સંગ મંડળ દ્વારા છેલ્લા ૨૪ વર્ષથી દર ડિસેમ્બરમાં વીરપુર (જલારામ) સુધીની પદયાત્રા યોજાય છે. આ પરંપરા મુજબ આજે કોડીનારના જલારામ મંદિરેથી ૨૫મા વર્ષની રજત જયંતિ પદયાત્રામાં કુલ ૬૦ જેટલાં ભાવિક ભાઇઓ-બહેનો જોડાયા હતા. તેઓ ચાર દિવસે વીરપુર પહોંચશે અને કોડીનારમાં શાંતિ માટે પ્રાર્થના કરશે. ડીજે સાથે આ પદયાત્રાનું પૂ. જલારામબાપાની ભવ્ય પાલખી અને બાપાની ધૂન, ભજન અને જયઘોષ સાથે પ્રસ્થાન થયું હતું. આ પ્રસંગે જ્ઞાતિજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.