કોડીનારના છેલ્લા ૧૦ વર્ષથી બંધ પડેલ તાલુકાના જીવાદોરી સમાન શ્રી બિલેશ્વર ખાંડ ઉદ્યોગને પુનઃ શરૂ કરવા આજે ખાસ સાધારણ સભા મળી હતી. આ સભામાં નવી દિલ્હી સ્થિત ઇન્ડિયન પોટાશ લિ.ને લીઝ પર આપી ખાંડ ઉદ્યોગને પુનઃ શરૂ કરવા સર્વાનુમતે ઠરાવ કરાયો હતો. ગીરના ખેડૂતોની જીવાદોરી સમાન છેલ્લા એક દાયકાથી બંધ પડેલી ૧૨ હજાર ખેડૂત સભાસદોની માતૃસંસ્થા એવી શ્રી બિલેશ્વર ખાંડ ઉદ્યોગ ઇન્ડિયન પોટાશ લિ. સાથે ૩૦ વર્ષના ભાડા કરારથી પુનઃ શરૂ કરવા બાબતે ખાસ સાધારણ સભા આજે મિલના પટાંગણમાં ચેરમેન પી.એસ. ડોડિયાની અધ્યક્ષતામાં મળી હતી. સંસ્થાના એમ.ડી. રાજનભાઈ વૈશએ ફેકટરીને લીઝ ઉપર આપી ફરીથી શરૂ કરવા સહિતના મુદા જણાવ્યા હતા. જેમાં સભાસદોના પ્રશ્નોના જવાબો આપવામાં આવ્યા હતા. ત્યારબાદ સભાએ આપેલા અધિકાર મુજબ ઇન્ડિયન પોટાશને વહેલી તકે લીઝ ઉપર આપી ફેકટરી પુનઃ શરૂ કરવા સર્વે હક્કો ચેરમેનને આપી ખાંડ ઉદ્યોગને ફરી ધમધમતો કરવા સભાએ એકસૂરે ઠરાવ કર્યો હતો. આ તકે ચેરમેન પી.એસ. ડોડિયાએ જણાવ્યું હતું કે આપણી આ માતૃસંસ્થાને વહેલી શરૂ કરવી એજ આપણું મુખ્ય લક્ષ્ય રહ્યું હતું.