કોડીનાર તાલુકાનાં ડોળાસા ગામમાંથી પસાર થતો નેશનલ હાઇવે હાલ બિસ્માર હાલતમાં છે. ઠેર ઠેર મોટા મોટા ખાડા પડી ગયા હોય વાહન ચાલકો ભારે પરેશાન થઈ રહ્યા છે. ડોળાસા ગામે ફોર ટ્રેક બાયપાસ રોડનું કામ ચાલુ છે. જેના કારણે તમામ વાહનોની અવરજવર ડોળાસા ગામમાંથી પસાર થઈ હાઇવે પર જાય છે. આ હાઇવે હજુ ગત સાલ જ બન્યો હતો. પૂરા વર્ષ દરમ્યાન હાઇવેનું ભારેખમ મટીરિયલ ભરેલા હજારો ટ્રક આ રોડ ઉપરથી પસાર થતા હાલ આ રોડ પર મસમોટા ગાબડા પડ્‌યા છે. ડોળાસાનો બે કિલોમીટરનો હાઇવે હાલ તદ્દન બિસ્માર હાલત છે. જેના કારણે વાહન ચાલકો તોબા પોકારી ગયા છે. આ રસ્તાને તત્કાળ રિપેર કરવાની માંગ ગ્રામજનો કરી રહ્યા છે.