કોડીનારથી રાજકોટ જવા માટે વહેલી સવારે રાજકોટ ડેપોની બે બસ મળે છે. આ બંને બસ દિવસે આવતી હોવાથી કાયમ માટે ભરચક્ક રહે છે. જૂનાગઢ તથા રાજકોટ દવાખાના તથા વેપારધંધા અને અભ્યાસાર્થે જતાં લોકો માટે ખૂબ જ ઉપયોગી રહે છે. પણ ભીડને કારણે આ બસમાં કોડીનારથી જગ્યા ભાગ્યે જ મળે છે. જે બાબતે કોડીનારથી વહેલી સવારે સાડા પાંચ વાગ્યે રાજકોટ જવા માટે કોડીનાર-રાજકોટ તથા રાજકોટથી બપોરે બાર વાગ્યે ઊપડે તેવી રાજકોટ-કોડીનાર બસ શરૂ કરવા વર્ષોથી માગણી થઈ રહી છે. તાજેતરમાં કોડીનારના પત્રકાર મિત્રોએ આ બાબતે ઘટતું કરવા કોડીનારના ધારાસભ્યની હાજરીમાં ડેપો મેનેજરને રજૂઆત કરતાં ધારાસભ્યએ પણ આ માગણી વ્યાજબી હોય તથા ગ્રામ્ય વિસ્તારોમાં આવી માગણીઓ થઈ રહી હોય ડેપો મેનેજર કોડીનારને સત્વરે યોગ્ય કરવા જણાવ્યું હતું. આજે આ વાતને એક મહિના કરતાં વધુ સમય થવા છતાં આ બાબતે કોઇ જ કાર્યવાહી ન થતાં સમગ્ર કોડીનાર તાલુકામાં વિભાગીય નિયામક અમરેલીની કામગીરી પ્રત્યે રોષ વ્યાપ્યો છે.