અમરેલી એસટી વિભાગ દ્વારા કોડીનાર ડેપોને સતત અન્યાય કરવામાં આવી રહ્યો છે. અમરેલી એસટી વિભાગમાં સૌથી ઓછા બસ રૂટો કોડીનાર ડેપોને ફાળવેલ છે. કોડીનારથી કોઈપણ રૂટ શરૂ કરવામાં આવે તો કોડીનાર ઉપરાંત ઊના, રાજુલા, ધારી, અમરેલીને ફાયદો હોવા છતાંય પણ નવા બસ રૂટો શરૂ કરવામાં આવતા નથી. કોડીનારથી ભાવનગર કે અમરેલી જવા સવારે સાડા સાત વાગ્યા પહેલાં એકપણ બસ નથી. અગાઉ કોડીનારથી અમરેલી વાયા દલખાણીયા ધારી જંગલનો રસ્તો ખરાબ હોવા છતાં પણ પાંચ બસોનું સંચાલન થતું હતું હાલમાં રસ્તો ઘણો બધો સારો હોવા છતાં માત્ર એક બસનું સંચાલન થઈ રહ્યું છે. બીજી તરફ અમરેલી વિભાગના અન્ય ડેપોને નવા રૂટોની સતત ફાળવણી કરવામાં આવી રહી છે. અમરેલી વિભાગની મુંબઈની બે બસો અમરેલી-મુંબઈ અને બગસરા-મુંબઈ તથા ઊના-મુંબઈને કોડીનાર મુંબઈ તરીકે પુનઃ શરૂ કરવા માંગ કરી હોવા છતાં પણ આ માંગને ધ્યાને લેવામાં આવતી નથી. કોડીનાર ડેપોના બંધ રૂટો ભાવનગર વાયા અમરેલી, ભાવનગર વાયા મહુવા, અંબાજી વાયા રાજકોટ, અમદાવાદ વાયા રાજકોટ, કોડીનાર-ગોધરા, બિલીમોરા-સોમનાથ, કોટડા-વેરાવળ, કોડીનાર-અમરેલી, વેરાવળ-અમરેલી વાયા ખાંભાને પુનઃ શરૂ કરવામાં આવે અને આ અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.