અમરેલી જિલ્લામાં પરિણીતાઓ પર અત્યાચારની વધુ બે ઘટના પોલીસ ચોપડે નોંધાઈ હતી. હાલ રાજુલાના જુની કાતર ગામે રહેતી પરિણીતાને તેના પતિએ હટાણા બાબતે ઢીકાપાટુ માર્યા હતા. ઉપરાંત ત્રાસ આપીને જાનથી મારવાની ધમકી આપી હતી. બનાવ અંગે કાજલબેન ભુપતભાઈ બારૈયા (ઉ.વ.૨૮)એ કોટડી ગામે રહેતા પતિ કનુભાઈ ભુપતભાઈ બારૈયા તથા સાસુ શાંતુબેન ભુપતભાઈ બારૈયા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેમના લગ્ન તા.૦૬-૦૨-૨૦૧૮ના રોજ થયા હતા. લગ્ન બાદ એક વર્ષ સુધી સારી રીતે રાખી હતી. તા.૦૧/૦૨/૨૦૧૯ થી તા.૩૦/૦૫/૨૦૨૪ દરમિયાન બંને આરોપીએ તેમની સાથે હટાણાની બાબતે ઢીકાપાટુનો મુઢમાર મારી, ગાળો આપી, મેણાટોણા બોલી, શારીરિક તથા માનસિક દુઃખ ત્રાસ આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. રાજુલા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એ.વી.સમા વધુ તપાસ કરી રહ્યા છે. બીજા બનાવમાં હાલ ધારીના ભાડેર ગામે રહેતી મધુબેન ઉર્ફે માધવીબેન મયુરભાઈ ઠાકર (ઉ.વ.૩૮)એ અમદાવાદના નિકોલ ખાતે રહેતા પતિ મયુરભાઈ પ્રવિણભાઈ ઠાકર, દક્ષેશભાઈ પ્રવિણભાઈ ઠાકર, પ્રવિણભાઈ પ્રભાશંકર ઠાકર, હંસાબેન પ્રવિણભાઈ ઠાકર સામે એકસંપ થઇ અવાર-નવાર નાની મોટી વાતોમાં રોકટોક કરી, શારીરિક તથા માનસિક દુઃખ ત્રાસ આપી તથા દહેજ પેટે એક લાખ રૂપિયાની રકમ મેળવી લીધાની ફરિયાદ નોંધાવી હતી. ધારી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ મનુબાઈ આર. માંગાણી વધુ તપાસ કરી રહ્યા છે.