કોટડાપીઠાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ગૌપાલક છાત્રાલયમાં ૩૧ મેના રોજ ‘વિશ્વ તમાકુ નિષેધ દિન’ની ઉજવણી કરવામાં આવી હતી. તમાકુના સેવનથી થતા મોઢાના, જીભના તથા દાંતના, પેઢાના કેન્સરને અટકાવવા માટે રેલી સ્વરૂપે જનજાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવેલ. ધુમ્રપાનના સેવનથી પોતે તેમજ પોતાની આસપાસના વ્યક્તિઓના આરોગ્યને નુકસાન થાય છે અને ધુમ્રપાન કરનાર વ્યક્તિને હૃદયરોગનું જોખમ રહે છે, વગેરે જેવી માહિતી કેન્દ્રના સુપરવાઇઝર મેહુલભાઇ ડાંગરે આપી હતી. આ તકે પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યુ હતું જેમાં ગૌપાલક છાત્રાલયનાં વિદ્યાર્થીઓએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો.