કોટડાપીઠાથી જસદણ વાયા ખાનપર ગામ પાસે આવેલ બેઠા પુલ (કોઝવે) ને કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ માર્ગ પર ચોમાસામાં વરસાદી પાણી તેમજ શિયાળા અને ઉનાળામાં સૌની યોજનાનું પાણી છોડવામાં આવે ત્યારે પુલ પર પાણી ભરાઈ રહે છે. પાણી ભરાવાને કારણે પુલ પર ઊંડા ખાડા પડી ગયા છે, જેનાથી અજાણ હોવાથી ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર ચાલકોના વાહનો ફસાઈ જાય છે અને અનેક ચાલકો ખાડામાં પડી જતાં નાની-મોટી ઈજાઓ થતી હોવાની ફરિયાદો ઉઠી છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, અગાઉ આ પુલને ઊંચો બનાવવા માંગણી કરવામાં આવી હતી, તેમ છતાં અમરેલી જિલ્લાની હદમાં આવતા આ પુલને તંત્રએ ફરી બેઠો જ બનાવી નાખ્યો હતો, જેના લીધે આજે પણ લોકો યાતના ભોગવી રહ્યા છે. અમરેલી ઇશ્મ્ વિભાગ તાત્કાલિક ધોરણે આ કોઝવેને સ્લેબવાળો ઊંચો પુલ બનાવે તેવી વાહનચાલકો અને લોકોની માંગણી છે.