બાબરાના કોટડાપીઠા ગામે ઊંચા વ્યાજે રૂપિયા આપીને પઠાણી ઉઘરાણી કરનારા બે ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. આ કેસમાં આરોપીઓએ વ્યાજના નામે મનસ્વી વ્યાજની રકમ વસૂલી લીધી હોવા છતાં, બાકી રકમની માંગણી કરીને જીવલેણ હુમલો કર્યો હતો. આ અંગે હનીફભાઈ આસમભાઈ સોલંકીએ અશોકભાઈ ઉર્ફે ટીણો અમકુભાઈ બોરીચા, દિલીપભાઈ ઉર્ફે દીપો વલકુભાઈ બોરીચા સામે ફરિયાદ નોંધાવી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર, આજથી ત્રણ વર્ષ પહેલાં અશોકભાઈ ઉર્ફે ટીણો અમકુભાઈ બોરીચા, દિલીપભાઈ ઉર્ફે દીપો વલકુભાઈ બોરીચાએ તેમના પુત્ર, સાહેદ અફજલ,ને ૫ ટકાના ઊંચા વ્યાજે રૂપિયા ૨,૫૦,૦૦૦ આપ્યા હતા. તેમના પુત્રએ મુદ્દલ રકમ અને વ્યાજ સહિત કુલ ૫,૦૦,૦૦૦ જેટલી રકમ અશોકભાઈને ચૂકવી દીધી હતી. એટલું જ નહીં આરોપીઓ તેમની ફોર વ્હીલ પણ લઈ ગયા હતા. આટલી મોટી રકમ ચૂકવાઈ ગઈ અને ગાડી પણ લઈ જવા છતાં, અશોકભાઈ અને દિલીપભાઈ તેમની દુકાને ધસી આવ્યા હતા. તેમણે વ્યાજની પઠાણી ઉઘરાણી કરીને તેમને ગાળો આપી હતી. આ ઉશ્કેરાટમાં, અશોકભાઈએ તેમના માથામાં કાતર મારી દીધી, જેના કારણે તેમને ત્રણ ટાંકા આવ્યા હતા. આ ઉપરાંત જમણા હાથના કાંડા પાસે અને ટચલી આંગળી પર પણ કાતરના ઘા મારીને ઈજા પહોંચાડી હતી. દિલીપભાઈએ ફરિયાદીના ડાબા હાથની આંગળીમાં છરીનો એક ઘા માર્યો, જેમાં પણ બે ટાંકા આવ્યા હતા. બાબરા પોલીસ સ્ટેશનના એએસઆઈ જયદેવસિંહ ચંદુભા સોલંકી વધુ તપાસ કરી રહ્યા છે.