કોટડાપીઠા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે તાજેતરમાં રક્તદાન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા આરોગ્ય અધિકારી અમરેલી અને તાલુકા આરોગ્ય અધિકારી બાબરાના માર્ગદર્શન હેઠળ અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અમરેલીના સહયોગથી આ કેમ્પ યોજાયો હતો. આ રક્તદાન કેમ્પનું આયોજન મુખ્યત્વે હાઈરિસ્ક માતાઓ અને થેલેસેમિયાગ્રસ્ત બાળકો જેવા જરૂરિયાતમંદ દર્દીઓ માટે કરવામાં આવ્યું હતું, જેમને નિયમિત રીતે રક્ત ચડાવવાની જરૂર પડે છે. આ પ્રસંગે સુપરવાઇઝર મેહુલભાઇ ડાંગરે રક્તદાન કરવાથી થતા ફાયદાઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી, જેનાથી દાતાઓ પ્રોત્સાહિત થયા હતા. કોટડાપીઠા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના વિવિધ વિસ્તારોમાંથી કુલ ૨૨ બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું.