અમરેલી જિલ્લામાં છેલ્લા ૬ દિવસથી મેઘરાજા અવિરત હેત વરસાવતા હોવાથી જિલ્લાના તમામ તાલુકામાં વરસાદ વરસતાં ધરતીપુત્રો ખુશખુશાલ દેખાઇ રહ્યાં છે. આજરોજ અમરેલી જિલ્લાના બગસરામાં એક ઇંચ વરસાદ વરસ્યા બાદ બાબરા તાલુકાના કોટડાપીઠા ગામે સાંજના પાંચ કલાકે દે ધનાધન ત્રણ ઇંચ વરસાદ વરસતા ખેડૂતો ખુશખુશાલ દેખાઇ રહ્યાં છે. વાવણીલાયક વરસાદ વરસતાં ખેડૂતોએ વાવણી કાર્યનો પ્રારંભ કર્યો છે. પ્રથમ વરસાદમાં ગામના તળાવમાં પાણીની આવક વધી છે. તેમજ ચેકપોસ્ટ પાસે રહેતાં ઝૂંપડામાં પણ પાણી ઘુસી જતાં દેવીપૂજક પરિવાર અન્યત્ર રહેવા જતો રહ્યો હતો. કોટડાપીઠા ગામે વરસાદ થતાની સાથે જ વીજળી ગુલ થઇ ગઇ હતી.