તમિલનાડુ વિધાનસભા ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે, કોંગ્રેસના રાષ્ટીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પીએમ નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા. તમિલનાડુના ચેલાચેરીમાં ચૂંટણી પ્રચાર કરી રહેલા મલ્લિકાર્જુન ખડગેએ પીએમ નરેન્દ્ર મોદીનું વર્ણન કરવા માટે “આતંકવાદી” શબ્દનો ઉપયોગ કર્યો હતો. ખડગેએ કહ્યું, “તેઓ (એઆઇએડીએમકે) મોદી સાથે કેવી રીતે જાડાઈ શકે છે? તે એક આતંકવાદી છે, અને તે એક એવો વ્યક્તિ છે જે સમાનતામાં માનતો નથી. તેમની પાર્ટી પણ સમાનતા અને ન્યાયમાં માનતી નથી. અને આ લોકો તેમની સાથે જાડાવાનો અર્થ એ છે કે તેઓ લોકશાહીને નબળી બનાવી રહ્યા છે.” ભાજપે ખડગેના નિવેદનનો વિરોધ કર્યો અને માફીની માંગ કરી. મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે તેમણે એવું કહ્યું નથી.વધતા વિવાદનો સામનો કરીને, મલ્લિકાકાર્જુન ખડગેએ તરત જ તેમના નિવેદન પર સ્પષ્ટતા જારી કરી. તેમણે કહ્યું કે તેમણે ક્્યારેય કહ્યું નથી કે વડા પ્રધાન આતંકવાદી છે. તેમનો મતલબ એ હતો કે તેઓ લોકો અને રાજકીય પક્ષોને ડરાવે છે. ખડગેએ સ્પષ્ટતા કરી કે વડા પ્રધાન મોદી હંમેશા ધમકીઓ આપે છે અને તેમનું વર્તન રાજકીય વર્તુળોમાં ભય પેદા કરે છે. તેમણે એમ પણ કહ્યું કે તેમની ટિપ્પણીઓનો હેતુ વડા પ્રધાનની કાર્યશૈલી પર પ્રશ્ન ઉઠાવવાનો હતો, તેમના પર વ્યક્તિગત હુમલો કરવા માટે નહીં.
મલ્લિકાર્જુન ખડગેએ એક પ્રેસ કોન્ફરન્સમાં આ નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે તમિલનાડુમાં ડીએમકે અને કોંગ્રેસ ગઠબંધન લોકોના વિકાસ માટે કામ કરવાનું ચાલુ રાખશે. તેમણે આરોપ લગાવ્યો કે મોદી અન્નાદુરાઈ, કલાઈનાર, કામરાજ, પેરિયાર અને બાબાસાહેબ આંબેડકરનું અપમાન કરે છે. ખડગેએ કહ્યું કે તેઓ (મોદી) સમાનતામાં માનતા નથી. તેમની પાર્ટી પણ સમાનતા અને ન્યાયમાં માનતી નથી. આનો અર્થ એ છે કે તેઓ મહાન વ્યક્તિઓના વિચારોમાં માનતા નથી.
તમિલનાડુમાં મલ્લિકાર્જુન ખડગેનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે રાજ્યમાં ૨૩ એપ્રિલે મતદાન થવાનું છે. ભાજપે એઆઇએડીએમકે સાથે જાડાણ કરીને રાજ્યમાં ચૂંટણી લડી હતી. પીએમ નરેન્દ્ર મોદીએ પણ પ્રચાર માટે તમિલનાડુની મુલાકાત લીધી હતી. તે સમયે, તેમણે સંસદમાં મહિલા અનામત અને સીમાંકન સંબંધિત જરૂરી સુધારા બિલ પસાર કરવામાં નિષ્ફળતા બદલ કોંગ્રેસ, ડીએમકે, ટીએમસી અને સમાજવાદી પાર્ટીની ટીકા કરી હતી.
કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે દ્વારા પીએમ મોદી અંગે આપવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદન પર પ્રતિક્રિયા આપતા કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે કહ્યું, “મને શરમ આવે છે કે કોંગ્રેસ અને ડીએમકેએ લોકશાહી રીતે ચૂંટાયેલા ભારતના વડા પ્રધાનને આતંકવાદી કહીને આટલા નીચલા સ્તરે અપમાન કર્યું છે. રાહુલ ગાંધી અને એમકે સ્ટાલિનએ વડા પ્રધાન અને તેમને સત્તામાં લાવનારા ભારતના લોકોનું આ ગંભીર અપમાન કરવા બદલ માફી માંગવી જાઈએ. આ નિવેદન સાથે, કોંગ્રેસ અને ડીએમકેએ આપણા ૮ કરોડ તમિલ ભાઈઓ અને બહેનો સહિત ૧૪ કરોડ ભારતીયોનું અપમાન કર્યું છે.”
કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે કહ્યું, “આ અપવિત્ર ગઠબંધન વડા પ્રધાનને નિશાન બનાવી રહ્યું છે અને ભારતીયોને આતંકવાદી કહી રહ્યું છે. વડા પ્રધાન પર આવા વ્યક્તિગત હુમલાઓ તેમના ચૂંટણી ભાગ્યને બદલી શકશે નહીં, જે તેમના કુશાસનથી પીડાતા લોકોના ગુસ્સાથી પહેલાથી જ નક્કી થઈ ગયું છે.”
વિવાદ બાદ, કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ તેમના આતંકવાદી નિવેદન પર સ્પષ્ટતા કરી. ખડગેએ કહ્યું, “કારણ કે ભાજપ સરકાર રાજકીય પક્ષો અને ખાસ કરીને ઉમેદવારોને ડરાવી રહી છે. તેઓ સીબીઆઇ,ઇડી અને આવકવેરા વિભાગ જેવી સંસ્થાઓનો ઉપયોગ અને દુરુપયોગ કરી રહ્યા છે. તેઓ લોકોમાં ભય પેદા કરી રહ્યા છે જેથી તેઓ માને છે કે સરકાર વિરોધી પક્ષોને પણ નિશાન બનાવવા માટે પૂરતી શક્તિશાળી છે. મેં આ સંદર્ભમાં કહ્યું. મેં ક્યારેય કહ્યું નથી કે તેઓ મોદી આતંકવાદી છે. મેં કહ્યું હતું કે તેઓ અને તેમની સરકાર લોકોને ડરાવવા માટે આ સંસ્થાઓનો ઉપયોગ કરી રહ્યા છે. મારો મતલબ એ જ હતો.”
ભાજપ સાંસદ સંબિત પાત્રાએ કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેના નિવેદનનો સખત જવાબ આપ્યો, તેને કોંગ્રેસનું કાવતરું ગણાવ્યું. તેમણે તેને જાણી જાઈને બનાવેલ કાવતરું ગણાવ્યું. પાત્રાએ કહ્યું વડા પ્રધાન મોદીને આતંકવાદી કહેવું એ કોઈ ભૂલ નથી, પરંતુ રાહુલ ગાંધીના ઇશારે કરવામાં આવેલી ટિપ્પણી છે. તેમણે આરોપ લગાવ્યો કે રાહુલ ગાંધી દરરોજ વડા પ્રધાન વિરુદ્ધ અપમાનજનક ભાષાનો ઉપયોગ કરે છે, અને હવે ખડગેએ પણ એ જ માર્ગ અપનાવ્યો છે અને દેશના વડા પ્રધાનનું અપમાન કર્યું છે, જે ખૂબ જ નિંદનીય છે.
કોંગ્રેસ પાર્ટી પર બેવડા ધોરણો અપનાવવાનો આરોપ લગાવતા, સંબિત પાત્રાએ કહ્યું કે આ એ જ પાર્ટી છે જે ઓસામા બિન લાદેનને ‘જી’ કહીને સંબોધે છે અને ઝાકિર નાઈક જેવા લોકોને શાંતિના દૂત કહે છે. તેમણે ચેતવણી આપી હતી કે જ્યારે પણ કોંગ્રેસ પાર્ટીએ વડા પ્રધાનનું અપમાન કર્યું છે, ત્યારે ભારતના લોકોએ તેને સજા આપી છે. પાત્રાએ એમ પણ કહ્યું કે આ વખતે પણ દેશના લોકો કોંગ્રેસ પાર્ટીના આ અપમાનજનક નિવેદનોનો યોગ્ય જવાબ આપશે. અને તેમને તેમનું વાસ્તવિક સ્થાન બતાવશે.
પાંચ રાજ્યોમાં ચૂંટણી દરમિયાન આ બીજી વખત છે જ્યારે ખડગેએ આવી ટિપ્પણી કરી છે જેનાથી ભાજપ મુદ્દો બનાવી શકે. કેરળમાં પ્રચાર કરતી વખતે, ખડગેએ ગુજરાતના લોકોને અભણ કહ્યા. વિરોધ વધ્યા બાદ તેમણે બાદમાં તેમના નિવેદન માટે માફી માંગી. આ નિવેદન કોંગ્રેસ પાર્ટીને નુકસાન પહોંચાડી શકે છે, કારણ કે ગુજરાતમાં સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ ચાલી રહી છે. તમિલનાડુ પછી ગુજરાતમાં ૨૬ એપ્રિલે મતદાન થશે. પરિણામો ૨૮ એપ્રિલે જાહેર કરવામાં આવશે.








































