ગુજરાત વિધાનસભા ના ગૃહમાં આજે ભારે ગરમાવો જાવા મળ્યો હતો. આમ આદમી પાર્ટીના ધારાસભ્યોએ વિધાનસભાની કાર્યવાહીનું જીવંત પ્રસારણ કરવાની માંગ સાથે ગૃહમાં હોબાળો મચાવ્યો હતો. આ ઘટનાને પગલે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ કડક વલણ અપનાવી આપના ધારાસભ્યોને સાર્વજનિક રીતે ઠપકો આપ્યો હતો.
આજે પ્રશ્નોત્તરી કાળ પૂર્ણ થયા બાદ તુરંત જ આમ આદમી પાર્ટીના ધારાસભ્યો અચાનક પોતાના સ્થાનેથી ઊભા થઈ ગયા હતા. તેમના હાથમાં “વિધાનસભાની કામગીરી લાઈવ કરો” તેવા લખાણ સાથેના બેનરો હતા. આપના ધારાસભ્યોએ ગૃહમાં સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા, જેના કારણે ગૃહની શિસ્તનો ભંગ થતો જાવા મળ્યો હતો. આપની માંગ છે કે જનતા જાઈ શકે તે માટે જે રીતે લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી લાઈવ થાય છે, તેમ ગુજરાત વિધાનસભાનું પ્રસારણ પણ લાઈવ થવું જાઈએ.
આમ આદમી પાર્ટીના આ આક્રમક વલણ સામે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ લાલ આંખ કરી હતી. તેમણે ધારાસભ્યોને બેસી જવા સૂચના આપી હતી અને આકરા શબ્દોમાં ઠપકો આપતા કહ્યું હતું કેઃ”તમે માત્ર હાઈલાઈટ થવા અને સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે જ આ હોબાળો કરી રહ્યા છો. ગૃહના નિયમોનું પાલન કરવું એ તમારી જવાબદારી છે. જા તમારે કોઈ રજૂઆત કરવી હોય તો મને રૂબરૂ મળીને વાત કરી શકો છો, પરંતુ આ રીતે ગૃહમાં બેનરો દર્શાવવા તે અયોગ્ય છે.”
વધુમાં, અધ્યક્ષે વિપક્ષી ભૂમિકા અંગે ટકોર કરતા જણાવ્યું હતું કે,”કોંગ્રેસ પક્ષ પાસેથી વિપક્ષ તરીકે કેવી રીતે કામ કરવું તે શીખવાની જરૂર છે.” તેમણે સ્પષ્ટ કર્યું હતું કે વિધાનસભામાં શું કરવું અને કયા નિર્ણયો લેવા તે નક્કી કરવાની સત્તા માત્ર અધ્યક્ષ પાસે જ છે.
અધ્યક્ષની સૂચના છતાં વિરોધ ચાલુ રહેતા અંતે તેમણે સાર્જન્ટને આદેશ આપ્યો હતો. સાર્જન્ટોએ તાત્કાલિક આપના ધારાસભ્યો પાસે જઈને તેમના હાથમાંથી વિરોધ પ્રદર્શનના બેનરો લઈ લીધા હતા. આ કડક કાર્યવાહી બાદ ગૃહમાં આમ આદમી પાર્ટીનો વિરોધ શાંત પડ્યો હતો અને ગૃહની કામગીરી ફરી આગળ વધી હતી.
વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ સરકારને અભિનંદન આપતા ધારાસભ્યને પણ ટકોર કરી હતી.શંકરભાઇ ચૌધરીએ કહ્યું કે,તમામ ધારાસભ્યો સરકાર ને અભિનંદન આપવા સમય ન વેડફે અને પ્રશ્નોત્તરી કાળ માં અભિનંદન કે ટિકા ન કરતા પ્રશ્ન પર ચર્ચા કરે . શંકરભાઇ ચૌધરીએ સત્તા પક્ષ અને વિપક્ષ બન્ને ને ટકોર કરી તેનું પાલન કરવાનો આદેશ આપ્યો છે.