કર્ણાટકના પૂર્વ સીએમ અને વિપક્ષના નેતા સિદ્ધારમૈયાએ બીફ પ્રતિબંધ પર નિવેદન આપીને નવો વિવાદ ઉભો કર્યો છે. તુમાકુરુ જિલ્લામાં એક જનસભાને સંબોધતા સિદ્ધારમૈયાએ કહ્યું કે તેઓ હિન્દુ છે અને તેમણે હજુ સુધી બીફ ખાધું નથી, પરંતુ જો તેઓ ઈચ્છશે તો તેઓ ચોક્કસપણે બીફ ખાશે.
પૂર્વ સીએમ અને કોંગ્રેસના નેતા સિદ્ધારમૈયાએ પોતાના ભાષણમાં આરએસએસ પર ધર્મો વચ્ચે અવરોધ ઉભો કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે બીફ ખાનારા માત્ર એક સમુદાયના નથી.
આ સિવાય બીજેપી પર નિશાન સાધતા સિદ્ધારમૈયાએ કહ્યું કે તમે કોણ છો સવાલ કરવાવાળા, હિન્દુઓ પણ બીફ ખાય છે અને ઈસાઈ સમુદાયના લોકો પણ બીફ ખાય છે. આરએસએસ પર નિશાન સાધતા સિદ્ધારમૈયાએ કહ્યું કે તેઓ મનુષ્યમાં ભેદ પાડે છે. ભોજન મારી આદત અને મારો અધિકાર છે, હું જે ઈચ્છું તે ખાઈ શકું છું. સિદ્ધારમૈયાએ પૂછ્યું કે શું માત્ર મુસ્લિમો જ બીફ ખાય છે? વર્ષ ૨૦૨૧માં ભાજપ સરકારે કર્ણાટકમાં કતલ નિવારણ અને પશુ સંરક્ષણ અધિનિયમ, ૨૦૨૦ લાગુ કર્યો હતો.
હવે આ કાયદા હેઠળ તમામ પ્રકારના પશુઓની ખરીદી, વેચાણ, પરિવહન એટલે કે લઈ જવા, કતલ અને વેપાર કરવો ગેરકાયદેસર છે. જેમાં ગાય, બળદ અને ભેંસનો સમાવેશ થાય છે. બીજી તરફ આ કાયદાનું ઉલ્લંઘન કરવા બદલ દોષિતને ૫૦ હજોરથી ૫ લાખ રૂપિયા સુધીનો દંડ ભરવો પડી શકે છે, સાથે જ સાત વર્ષની જેલ પણ થઈ શકે છે.