કચ્છના ગાંધીધામ શહેરમાં એક મોટો અને ચોંકાવનારો બ્લેકમેઈલિંગનો મામલો સામે આવ્યો છે. કોંગ્રેસના એક દિગ્ગજ નેતાને અશ્લીલ વીડિયો વાયરલ કરી દેવાની ધમકી આપીને લાખો રૂપિયા પડાવવાનો પ્રયાસ કરતી ગેંગનો પોલીસે પર્દાફાશ કર્યો છે. આ કેસમાં ૨૦ લાખ રૂપિયાની માંગણી કરનાર બે આરોપીઓને પોલીસે દબોચી લીધા છે, જેઓ પોતાને એક યુટ્યુબ ચેનલના પત્રકાર ગણાવતા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર, ગાંધીધામના પ્રતિષ્ઠિત આગેવાન અને કોંગ્રેસ તેમજ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિ સાથે જાડાયેલા હાજી જુમા રાયમા દ્વારા ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ મથકમાં મોડી રાત્રે એક ગંભીર ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, કેટલાક શખ્સો દ્વારા તેમની પ્રતિષ્ઠાને ખરડવા માટે એક પૂર્વયોજિત ષડયંત્ર રચવામાં આવ્યું છે. આરોપીઓએ તેમનો કોઈ અશ્લીલ વીડિયો વાયરલ કરી દેવાની ધમકી આપીને, બદનામીથી બચવા માટે ૨૦ લાખ રૂપિયાની મોટી ખંડણી માંગી હતી. આ હાઈપ્રોફાઈલ કેસમાં કુલ ૧૪ જેટલા લોકોના નામ ખુલતા વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી છે.
ફરિયાદ મળતાની સાથે જ ગાંધીધામ એ-ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જે. રાઠોડ અને તેમના સર્વેલન્સ સ્ટાફે એક્શનમાં આવીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ટેકનીકલ સર્વેલન્સ અને બાતમીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી બે મુખ્ય આરોપીઓની ધરપકડ કરી લીધી છે, જેમાં ભુજના ઇરફાન ઇબ્રાહિમ હાલેપોત્રા અને અંજારના મહંમદ હનીફ હાજી સુમારશા શેખનો સમાવેશ થાય છે. ચોંકાવનારી વાત એ છે કે, ઝડપાયેલા આ બંને આરોપીઓ પોતાને ‘કે.પી. ન્યૂઝ’ નામની યુટ્યુબ ચેનલના પત્રકાર તરીકેની ઓળખ આપીને રોફ જમાવતા હતા.
આ ગંભીર મામલે પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે આ ષડયંત્ર માત્ર બે આરોપીઓ પૂરતું સીમિત નથી. ફરિયાદમાં નોંધાયેલા અન્ય લોકો અને આ સમગ્ર બ્લેકમેઈલ ગેંગના બાકીના સભ્યો સુધી પહોંચવા માટે પોલીસની અલગ-અલગ ટીમો કામે લાગી ગઈ છે. આ ઘટના સ્પષ્ટ દર્શાવે છે કે કેટલાક તત્વો દ્વારા ડિજિટલ પ્લેટફોર્મ અને પત્રકારત્વના નામનો દુરુપયોગ કરીને બ્લેકમેઈલિંગનો કાળો કારોબાર ચલાવવામાં આવી રહ્યો છે.