જમ્મુ-કાશ્મીરના પહેલગામ વિસ્તારમાં થયેલા ઘાતક આતંકી હુમલાથી સમગ્ર દેશ શોકમગ્ન અને પીડિત છે. આવી ગંભીર પરિસ્થિતિમાં પણ જાફરાબાદની નર્મદા સિમેન્ટ કંપની દ્વારા ૨૮ એપ્રિલે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ભવ્ય જમણવાર અને જલસાની સાથે જાફરાબાદના અમુક આગેવાનોની ઉપસ્થિતિ પણ જોવા મળી હતી. જયારે રાષ્ટ્ર શ્રદ્ધાંજલિ આપી રહ્યું છે ત્યારે આવા ઉજવણીના કાર્યક્રમો યોજવા પર પ્રશ્નચિહ્ન લગાવાય છે. કોંગ્રેસ અગ્રણી ટીકુભાઈ વરુએ આ મુદ્દે ઉગ્ર નિવેદન આપતાં જણાવ્યું કે જાફરાબાદ નર્મદા કંપની મોતનો મલાજો પણ ન જાળવી શકી. દેશના શહીદો પ્રત્યે નમન કરવાને બદલે જમણવાર અને હાસ્યપ્રમોદથી ભરેલા કાર્યક્રમોનું આયોજન કરવું અસંવેદનશીલતા અને રાષ્ટ્રીય ભાવનાઓનું ઘોર અપમાન છે. હું અને મારી કોંગ્રેસ પાર્ટી આ ઘટનાની તીવ્ર નિંદા કરીએ છીએ અને આવનારા સમયમાં વધુ જવાબદારીભર્યું વર્તન દાખવવાની તમામ સંસ્થાઓ અને રાજકીય પક્ષોને અપીલ કરીએ છીએ.