શહેરના જંગલેશ્વર વિસ્તારમાં થયેલા ડિમોલિશન દરમિયાન થયેલા કરોડો રૂપિયાના ખર્ચને લઈને ઊભો થયેલો વિવાદ હવે માત્ર વહીવટી તપાસ પૂરતો મર્યાદિત રહ્યો નથી. પરંતુ તેણે રાજકીય રંગ પણ પકડી લીધો છે. એક તરફ રાજકોટ મહાનગરપાલિકાએ ખર્ચની તપાસ માટે ઉચ્ચ અધિકારીઓની સમિતિની રચના કરી છે. તો બીજી તરફ શહેર કોંગ્રેસ દ્વારા સમિતિની નિષ્પક્ષતા પર જ સવાલ ઉઠાવી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ અથવા નિવૃત્ત ન્યાયાધીશના અધ્યક્ષસ્થાને સ્વતંત્ર તપાસ સમિતિની માંગ સાથે આવેદનપત્ર આપ્યું છે.
કોંગ્રેસે તપાસ સમિતિના અધ્યક્ષ અને ડેપ્યુટી કમિશનર સી.કે. નંદાણીને આપેલા આવેદનમાં જણાવ્યું છે કે, ડિમોલિશન દરમિયાન થયેલા ખર્ચમાં કથિત ભ્રષ્ટાચાર અને જાહેર નાણાના દુરુપયોગની ગંભીર શંકા ઉભી થઈ છે. જાહેર નાણાનો કેટલો દુરુપયોગ થયો અને જવાબદાર કોણ છે તે અંગે સંપૂર્ણ વિગતો જાહેર કરવામાં આવે તેમજ દોષિત સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
કોંગ્રેસે મનપાની આંતરિક તપાસની ટીકા કરતાં સમગ્ર પ્રક્રિયાની સરખામણી “બિલાડીને દૂધના રખોપાની જવાબદારી સોંપવા જેવી” હોવાનું કહી નિષ્પક્ષ તપાસ અંગે સવાલો ઉઠાવ્યા હતા. આવેદન બાદ કોંગ્રેસના કાર્યકરોએ “કમિશનરની બદલી કરો” અને “ભ્રષ્ટાચારીઓની બદલી કરો”ના સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.
બીજી તરફ મનપા કમિશનર તુષાર સુમેરાના આદેશ બાદ ડેપ્યુટી કમિશનર સી.કે. નંદાણીની અધ્યક્ષતામાં તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. સમિતિમાં ડેપ્યુટી કમિશનર હર્ષદ પટેલ, આસિસ્ટન્ટ કમિશનર ભરત કાથરોટિયા, હિસાબી અધિકારી અમિત સવજીયાણી અને સિટી ઇજનેર પરેશ અઢિયાનો સમાવેશ કરવામાં આવ્યો છે. સમિતિ ડિમોલિશન દરમિયાન થયેલા ખર્ચના વન-ટુ-વન બિલ, રેટ કોન્ટ્રાક્ટ, સપ્લાય ઓર્ડર, ચુકવણી પ્રક્રિયા અને વિવિધ એજન્સીઓ દ્વારા રજૂ કરાયેલા બિલોની વિગતવાર ચકાસણી કરશે.
તપાસ સમિતિના અધ્યક્ષ સી.કે. નંદાણીએ જણાવ્યું હતું કે હાલ તમામ સંબંધિત પુરાવા એકત્ર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. પ્રથમ તબક્કામાં સામે આવેલા આક્ષેપોની તપાસ કરવામાં આવશે અને ત્યારબાદ અલગ-અલગ ખર્ચ તથા રેટ કોન્ટ્રાક્ટની ચકાસણી હાથ ધરાશે. વિવિધ એજન્સીઓ પાસેથી બિલો પ્રાપ્ત થયા બાદ તે નિયમ મુજબ મંજૂરી માટે સંબંધિત સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હોવાનું પણ તેમણે જણાવ્યું.
આ સમગ્ર વિવાદમાં સૌથી વધુ ચર્ચાનો વિષય બનેલા પાણીની બોટલના ખર્ચ અંગે મેયર નેહલ શુક્લ અગાઉ સ્પષ્ટતા આપી ચૂક્યા છે. તેમનું કહેવું છે કે પાણીની ખરીદી બજારભાવથી નહીં પરંતુ સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર થયેલા કોન્ટ્રાક્ટ રેટ મુજબ કરવામાં આવી હતી અને તમામ ખરીદી નિયમસર થઈ છે.
જાકે, પ્રેસ કોન્ફરન્સમાં મેયર અને મનપા કમિશનર પૈકી કોઈએ પણ ડિમોલિશનનો કુલ ખર્ચ કેટલો થયો તે અંગે સ્પષ્ટ આંકડો જાહેર કર્યો ન હતો. પરિણામે ખર્ચને લઈને સસ્પેન્સ યથાવત રહ્યો છે અને પારદર્શિતાને લઈને વધુ પ્રશ્નો ઊભા થયા છે. હવે સમગ્ર શહેરની નજર તપાસ સમિતિના અહેવાલ પર છે. તપાસમાં ખર્ચની વાસ્તવિકતા બહાર આવશે કે કોંગ્રેસની એસઆઇટીની માંગને વધુ બળ મળશે, તે આવનારા દિવસોમાં સ્પષ્ટ થશે.