કોંગ્રેસમાં ફરી મનોમંથન શરૂ થયું છે.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનાં પડઘમ વાગવા માંડ્યાં એ સાથે કોંગ્રેસ સફાળી જાગી છે. કોંગ્રેસે ચૂંટણીની તૈયારી શરૂ કરીને દ્વારકામાં ચિંતન શિબિર કરી નાંખી. રાહુલ ગાંધી ઉપરાંત ગુજરાત કોંગ્રેસના ટોચના નેતા તેમાં હાજર રહ્યા. ત્રણ દિવસ દરમિયાન કોંગ્રેસીઓએ વિધાનસભાની ચૂંટણી કઈ રીતે જીતવી તેનું મનોમંથન કર્યું. તેના પરિપાકરૂપે દ્વારકા ડેકલેરેશનની જાહેરાત કરાઈ કે જેમાં કોંગ્રેસે ઘણાં વચનો આપ્યાં છે.
આપણે આ વચનોની વાત નથી કરવી કેમ કે વચનોથી કોંગ્રેસ ચૂંટણી જીતવાની નથી. કોંગ્રેસે જરૂર પોતાની ઈમેજ બદલવાની છે પણ કમનસીબે કોંગ્રેસમાં એ અંગે કોઈ મનોમંથન થતું જ નથી. ગુજરાતમાં કોંગ્રેસ પોતાનું અસ્તિત્વ ટકાવવા ફાંફાં મારી રહી છે તેનું કારણ કોંગ્રેસની મુસ્લિમો પાર્ટી તરીકેની ઈમેજ છે.
કોંગ્રેસ આ ઈમેજ બદલવા કશું કરતી નથી.એક સમયે ગુજરાતમાં કોંગ્રેસનો દબદબો હતો.
કોંગ્રેસે ૧૯૭૦ના દાયકાના અંતમાં ખામ થીયરી અપનાવી. કોંગ્રેસે ખામ (દ્ભૐછસ્) એટલે કે ક્ષત્રિય, દલિત, આદિવાસી અને મુસ્લિમ) થીયરી અમલમાં મૂકીને ચાર મોટી મતબેંકો કબજે કરવાની વ્યૂહરચના અપનાવી. એક રીતે જ્ઞાતિવાદી સમીકરણ રચીને કોંગ્રેસે સવર્ણો સામે બીજી જ્ઞાતિઓને મૂકવાની વ્યૂહરચના અપનાવી હતી. ૧૯૮૦ની ચૂંટણીમાં આ વ્યૂહરચના ફળી અને કોંગ્રેસે ૧૪૧ બેઠકો જીતી તેથી આ થીયરી અક્સિર હોવાનું કોંગ્રેસને લાગ્યું. ૧૯૮૫માં માધવસિંહના નેતૃત્વમાં કોંગ્રેસે ફરી ભવ્ય દેખાવ કરીને ૧૮૨માંથી ૧૪૯ બેઠકો જીતીને ઈતિહાસ રચ્યો હતો.
ગુજરાતમાં કોઈ પક્ષ ફરી ૧૪૯ બેઠકો જીતી શક્યો નથી.
ગુજરાતીમાં કહેવત છે કે, જે પોછતું એ જ મારતું. કોંગ્રેસ માટે પણ એવું જ થયું કેમ કે જે ખામ થીયરીના જોરે કોંગ્રેસ જીતી હતી એ જ ખામ થીયરી કોંગ્રેસ માટે પડતીનું કારણ બની.ગુજરાતમાં જ્ઞાતિઓને સામસામે મૂકીને વર્ગવિગ્રહ કરાવવાની વ્યૂહરચના કોંગ્રેસને ફળી પણ લાંબા ગાળે આ વ્યૂહરચના ઘાતક સાબિત થઈ. ગુજરાતના રાજકારણ પર વરસો સુધી પાટીદારો અને બ્રાહ્મણ-વાણિયા સહિતના સવર્ણોનું વર્ચસ્વ હતું. ખામ થીયરીના કારણે આ વર્ચસ્વ સામે જોખમ ઉભું થતાં સવર્ણો કોંગ્રેસની વિરૂધ્ધ થઈ ગયા.
માધવસિંહે ખામ મતબેંકને મજબૂત કરવા અન્ય પછાત વર્ગ (ઓબીસી) માટે ૨૮ ટકા અનામત આપવાની જાહેરાત કરીને સવર્ણોને વધારે નારાજ કર્યા. આ સવર્ણો ભાજપ તરફ વળ્યા અને ભાજપની વફાદાર મતબેંક બનીને રહી ગયા. બહુમતી સવર્ણો આજેય કોંગ્રેસની વિરૂધ્ધ છે તેના કારણે કોંગ્રેસ ફરી બેઠી થઈ શકતી નથી.
કોંગ્રેસે ખામ થીયરીના કારણે મુસ્લિમોને પંપાળવાની નીતિ અપનાવી એ બીજી મોટી ભૂલ હતી.માધવસિંહ સોલંકીએ હિન્દુ-મુસ્લિમોને સામસામે મૂક્યા જ પણ હિન્દુઓમાં પણ સવર્ણો વિરૂધ્ધ પછાત વર્ગનાં લોકોને
મૂકી દીધાં હતા. માધવસિંહે મતબેંકના રાજકારણ માટે સમાજને વિભાજીત કરી દીધો. આ નિર્ણયો સામે ગુજરાતમાં આંદોલનો થયાં. તેમાં ૧૯૮૫નું આંદોલન સૌથી મોટું હતું. આ આંદોલને માધવસિંહ અને કોંગ્રેસ બંનેને ગુજરાતમાં પતાવી દીધાં કેમ કે કોમી રમખાણો દરમિયાન કોંગ્રેસ સરકાર મુસ્લિમોની તરફેણ કરીને હિંદુઓને મરવા દેતી હોવાની છાપ પડી. સવર્ણો પહેલાં જ કોંગ્રેસની વિરૂધ્ધ હતા પણ અન્ય હિંદુઓ પણ આ નીતિના કારણે કોંગ્રેસથી દૂર થતા ગયા.
કોંગ્રેસ હિંદુઓની નારાજગી ના સમજી શકી. માધવસિંહની વિદાય પછી પણ કોંગ્રેસ સતત મુસ્લિમોની આળપંપાળમાં લાગી રહી. તેનો લાભ લઈને ભાજપે ધીરે ધીરે હિંદુ મતબેંકને પોતાની તરફ વાળી. ૧૯૮૪ની ચૂંટણીમાં ગુજરાતમાં એક બેઠક જીતનારા ભાજપે ૧૯૮૭ સુધીમાં તો ગુજરાતમાં અમદાવાદ અને રાજકોટ જેવાં મોટાં શહેરોની કોર્પોરેશનમાં જીત મેળવીને ફરી બેઠા થવાનું શરૂ કરી દીધું હતું. કોંગ્રેસ માટે આ ચેતવણી હતી પણ કોંગ્રેસે આ ચેતવણીને ગંભીરતાથી ના લીધી.
લાલકૃષ્ણ અડવાણીએ શરૂ કરેલી રામ જન્મભૂમિ મંદિર ઝુંબેશ અને બાબરી ધ્વંશ પછી થયેલાં તોફાનોના કારણે ગુજરાતમાં હિંદુઓ સાગમટે ભાજપ તરફ વળ્યા. એ વખતે થયેલાં તોફાનો દરમિયાન કોંગ્રેસના શાસનમાં મુસ્લિમ બુટલેગર લતિફને સરકારે બહુ પંપાળ્યો. કોંગ્રેસે ચીમનભાઈ પટેલને ના રોક્યા તેથી મુસ્લિમ પાર્ટી તરીકેની છાપ પ્રબળ બની. તેનો ભરપૂર લાભ ભાજપે લીધો ને ગુજરાતમાં ભાજપના ખિલા ઠોકાઈ ગયા.
ભાજપ સતત હિંદુવાદી રાજકારણ રમીને પોતાની સ્થિતિ મજબૂત કરતો ગયો ત્યારે કોંગ્રેસ મુસ્લિમ તુષ્ટિકરણમાં પડી હતી. તેના કારણે ૧૯૯૫માં ભાજપની ભવ્ય જીત થઈ અને કોંગ્રેસની કારમી હાર થઈ. ભાજપમાં સત્તાની સાંઠમારીમાં ભાગલા પડ્યા અને શંકરસિંહ વાઘેલા અલગ થયા ત્યારે કોંગ્રેસે શંકરસિંહને ટેકો આપતાં લોકોની કોંગ્રેસ તરફની સૂગ વધી. તેના કારણે ૧૯૯૮માં કોંગ્રેસ ને શંકરસિંહ બંને હાર્યાં.
કેશુભાઈ પટેલ ૧૯૯૮માં ફરી મુખ્યમંત્રી બન્યા પછી તેમના શાસનથી લોકો ખુશ નહોતા. કેશુભાઈના શાસનમાં ભાજપના નેતાઓએ કરેલા ભ્રષ્ટાચારથી લોકો નારાજ હતા. આ નારાજગીના કારણે ૨૦૦૦ની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં લોકોએ ભાજપને જાકારો આપ્યો હતો. તેના કારણે ભાજપે કેશુભાઈ પટેલને બદલીને નરેન્દ્ર મોદીને મુખ્યમંત્રી બનાવ્યા. મોદી એ વખતે ભાજપને જીતાડી શકે એ સ્થિતિમાં નહોતા પણ કોંગ્રેસે મુસ્લિમોને પંપાળવાની ભૂલ દોહરાવીને ઈતિહાસ બદલી દીધો.
નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા પછી ૨૭ ફેબ્રુઆરી, ૨૦૦૧ના રોજ ગોધરા રેલ્વે સ્ટેશને ૫૮ કારસેવકોને જીવતા સળગાવી દેવાયા હતા. આ આઘાતજનક ઘટના હતી પણ કોંગ્રેસ આ ઘટના સામે બોલવાનું ટાળ્યું. બીજી તરફ આ ઘટનાના પગલે થયેલાં ૨૦૦૨નાં કોમી રમખાણો સામે કોંગ્રસ તૂટી પડી. આ રમખાણો ભાજપ સરકારે કરાવ્યાં હોવાના આક્ષેપોનો મારો કોંગ્રેસે ચલાવી દીધો. મુસ્લિમોની કત્લેઆમના ભાજપ પર આરોપ મૂકાયા, મોદી સામે પણ આક્ષેપો કરાયા. કોંગ્રેસની આ સૌથી મોટી ભૂલ હતી ને તેના કારણે હિંદુઓ ભાજપ તરફ જ ઢળી ગયા. કોંગ્રેસની છાપ પહેલેથી મુસ્લિમ તરફી પાર્ટીની હતી. આ તોફાનો પછી કોંગ્રેસ પર મુસ્લિમ પાર્ટીનું લેબલ જ લાગી ગયું.
કોંગ્રેસ એક વાત ના સમજી શકી કે, ગુજરાતમાં ૯૦ ટકા મતદારો હિંદુ છે તેથી કોંગ્રેસની મુસ્લિમ પાર્ટી તરીકેની છાપના કારણે લોકો કોંગ્રેસ તરફ આકર્ષતા નથી. કોંગ્રેસે ૨૦૦૦નો આખો દાયકો ભાજપને ગુજરાતમાં રમખાણોના મુદ્દે ગાળો દેવામાં કાઢ્યો. મોદીને મુસ્લિમોના હત્યારા ચિતરવામાં પોતાની તાકાત લગાવી. તેના કારણે મોદી હિંદુવાદીઓના હીરો બનતા ગયા. મોદીએ તોફાનો કરતા મુસ્લિમોને સીધા કરી દીધા એ વાત લોકોના ને ખાસ તો યુવાઓના મગજમાં ઉતરી ગઈ. તેના કારણે મોદીની મરદ માણસ તરીકેની ઈમેજ બની ગઈ ને મોદી એ ઈમેજને મજબૂત બનાવીને પ્રગતિ કરતા ગયા. મોદીને તેનો ફાયદો રાષ્ટ્રીય સ્તરે પણ મળ્યો જ્યારે ગુજરાતમાં તો મોદી અજેય બની ગયા. તેમાં પણ શહેરી વિસ્તારોમાં તો એ સ્થિતિ થઈ ગઈ છે કે, ભાજપ ગમે તેને ઉભો રાખે જીતી જ જાય છે.
ગુજરાતમાં ૨૦૦૭ની ચૂંટણીમાં હાર પછી કોંગ્રેસે મુસ્લિમોને પંપાળવાની નીતિ કોરાણે મૂકીને વિચારવાની જરૂર હતી પણ એવું ના થયું. અહેમદ પટેલ સહિતના નેતાઓના કારણે કોંગ્રેસ મુસ્લિમોને પંપાળવાની નીતિને વળગી રહી. તેના કારણે પણ કોંગ્રેસની મુસ્લિમ પાર્ટી તરીકેની છાપ મજબૂત બની છે. કોંગ્રેસ પોતાની આ છાપ બદલવા પ્રયત્ન કરતી નથી જ્યારે ભાજપ સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોના મનમાં પડેલી આ છાપ ભૂંસાવા દેતો નથી. કોંગ્રેસના દિગ્વિજયસિંહ, મણિશંકર ઐયર, ચિદંબરમ સહિતના નેતા કોંગ્રેસની મુસ્લિમ પાર્ટી તરીકેની છાપ મજબૂત બને તેમાં યોગદાન આપે છે તેથી ગુજરાત જ નહીં પણ સમગ્ર દેશમાંથી કોંગ્રેસનો જનાધાર ખસી રહ્યો છે.
મોદીની વ્યૂહરચના સામે પણ કોંગ્રેસ વામણી પુરવાર થઈ છે.
મોદીએ હિંદુત્વના મુદ્દા પર શરૂઆત કરી હતી પણ ધીરે ધીરે ભાજપને જ્ઞાતિવાદ તરફ વાળ્યો. હિંદુઓમાં મતબેંક મોટી છે એવી જ્ઞાતિઓને ધ્યાનમાં રાખીને ભાજપે વ્યૂહરચના ઘડવા માંડી. પાટીદાર, બ્રાહ્મણ, વાણિયા જેવા સવર્ણોની પાર્ટી મનાતી ભાજપે ધીરે ધીરે દલિત અને આદિવાસી સમાજમાં પ્રભાવ વિસ્તાર્યો કે જે પરંપરાત રીતે કોંગ્રેસના મતદારો હતા. તેમને રોકવા માટે કોંગ્રેસે કશું ના કર્યું.
ભાજપે સૌરાષ્ટ્રમાં કોળી અને ઉત્તર ગુજરાતમાં ઠાકોર જેવી જ્ઞાતિઓને મહત્વ આપીને કોંગ્રેસની મતબેંકમાં ગાબડાં પાડ્યાં. આ જ્ઞાતિઓને વધારે મહત્વ આપીને ભાજપે પોતાની નવી મતબેંક ઉભી કરી. કોંગ્રેસ ભાજપને ના રોકી શકી પણ સાથે સાથે પોતાના માટે નવી મતબેંક પણ ઉભી ના કરી શકી. ભાજપે સોશિયલ એન્જિનિયરિંગના નામે જ સમીકરણો રચ્યાં એ ખરેખર તો ખામ (KHAM- ક્ષત્રિય, દલિત, આદિવાસી અને મુસ્લિમ) થીયરીની નકલ જ હતી પણ કોંગ્રેસ પોતાના માટે બીજી એવી થીયરી ના બનાવી શકી.
કોંગ્રેસ નરેન્દ્ર મોદીના ઝંઝાવાતી પ્રચાર સામે પણ વામણી પુરવાર થઈ.
મોદીએ પોતે ગુજરાતમાં જબરદસ્ત વિકાસ કર્યો હોય એવું ચિત્ર ઉભું કર્યું. મોદી પોતે ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન બનવા ઉતર્યા ત્યારે ગુજરાત મોડલની વાત કરતા હતા. આ મોડલ ખોખલું છે એના કોંગ્રેસે આક્ષેપ કર્યા પણ આ વાત કોંગ્રેસ સાબિત ના કરી શકી. મોદીના વિકાસના દાવાની પોલ ખોલવા માટે અખબારી નિવેદનો આપવા કે પત્રકાર પરિષદો ભરવાથી કોંગ્રેસ આગળ જ ના વધી શકી. તેના કારણે મોદીની વિકાસ પુરૂષ તરીકેની ઈમેજ મજબૂત થઈ. કોંગ્રેસ વિરોધ પક્ષમાં છે તેથી વિરોધ કરવા ખાતર વિરોધ કરે છે એવું જ લોકોને લાગ્યા કરે છે.
કોંગ્રેસ પાસે આ ઈમેજ બદલવા કોઈ પ્લાન જ નથી..