રાજ્યના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલનાં નેતૃત્વમાં કોંગ્રેસ પાર્ટીને પ્રચંડ જીત મળી ગઈ છે. ૧૪ નપા અને મનપામાં પંજાનું રાજ ચાલશે જ્યાં માત્ર એક જ નપામાં ભારતીય જનતા પાર્ટીનું કમળ ખીલ્યું છે. ૨૦૧૮માં આ રાજ્યમાં વિધાનસભા ચૂંટણી થઇ હતી જે બાદ આજે ફરી કોંગ્રેસે પોતાનો જલવો બતાવ્યો છે. વિધાનસભામાં ૯૦ માંથી ૭૦ બેઠક કોંગ્રેસનાં હાથમાં આવી હતી.આખા રાજ્યમાં કોંગ્રેસની આંધીનાં કારણે ભારતીય જનતા પાર્ટીના નેતાઓની ઊંઘ હરામ થઈ ગઈ છે. ભાજપના નેતાઓને આશા નહોતી કે આવી ખરાબ હાલત થઈ જશે. અંદરોઅંદર નેતાઓમાં ખળભળાટ મચ્યો છે અને બીજી તરફ રાજ્યના મુખ્યમંત્રીનો કોંગ્રેસની અંડર દબદબો વધ્યો છે.જે રાજ્યમાં સતત ૧૫ વર્ષ રાજ્ય કર્યું તે જ રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની હાલત ખરાબ થઈ રહી છે. એવામાં વર્ષ ૨૦૨૩માં વિધાનસભા ચૂંટણીને લઈને પાર્ટીની સમસ્યાઓ અત્યારથી વધશે તેવી પૂરી શક્યતા છે.નોંધનીય છે કે હાલમાં જ કોલકાતા મ્યુનિસિપલ કાર્પોરેશનની ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટીની ભૂંડી હાર થઈ હતી.મમતા બેનર્જીની પાર્ટીની પ્રચંડ જીત થઈ હતી અને ભાજપને માંડ માંડ વેઢા પર ગણી શકાય તેટલી બેઠકો જ મળી. એવામાં છત્તીસગઢનાં પરિણામો ભાજપ માટે દાઝ્યા પર ડામનું કામ કરશે.