કોંગ્રેસના નેતા અને વાયનાડના પૂર્વ સાંસદ રાહુલ ગાંધી અને તેમની બહેન અને કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા આજે કેરળ પહોંચ્યા હતા. બંને નેતાઓ વાયનાડ જિલ્લાના ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારોમાં સ્થાપિત વિવિધ રાહત શિબિરોની મુલાકાત લીધી હતી અને અસરગ્રસ્ત પરિવારોને મળી શાંત્વના પાઠવી હતી અહીં ભૂસ્ખલનને કારણે ચાર ગામો સંપૂર્ણપણે નાશ પામ્યા છે અને અત્યાર સુધીમાં ૨૫૬ લોકોના મોત થયા છે. રાહુલ ગાંધી અને પ્રિયંકા વાડ્રા સવારે ૯.૩૦ વાગ્યે કન્નુર એરપોર્ટ પર ઉતર્યા અને પછી રોડ માર્ગે વાયનાડ પહોંચ્યા. પાર્ટીના મહાસચિવ અને અલપ્પુઝાના સાંસદ કેસી વેણુગોપાલ પણ તેમની સાથે હતાં કોંગ્રેસ અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ઉત્તરાખંડ આપદા પર પણ દુઃખ વ્યક્ત કર્યું છે. ઉત્તરાખંડમાં અત્યારે કુદરતનો કહેર વરતાયો છે. ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે નદીઓમાં પૂર આવ્યા છે અને ભૂસ્ખલનની ઘટનાઓ બની રહી છે. તેમણે એક ટવીટ કર્યું જેમાં વહીવટીતંત્રને મદદની અપીલ કરી છે. ટવીટમાં તેમણે લખ્યુ કે હું શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. હું તમામ શ્રદ્ધાળુઓ અને સ્થાનિક નાગરિકોની સુરક્ષાની પણ આશા રાખું છું.કોંગ્રેસના તમામ નેતાઓ અને કાર્યકરોને રાહત અને બચાવ કાર્યમાં વહીવટીતંત્રને શક્ય તમામ મદદ કરવા વિનંતી છે. દુઃખની આ ઘડીમાં મારી સંવેદના તમામ પીડિત પરિવારો સાથે છે.રાહુલ અને પ્રિયંકા ચુરલમાલા ભૂસ્ખલન સ્થળ તેમજ સામુદાયિક આરોગ્ય કેન્દ્ર, ડા. મૂપેન મેડિકલ કોલેજ અને મેપ્પડી ખાતેના બે રાહત શિબિરની મુલાકાત લીધી હતી
ગાંધીએ ૨૦૧૯માં વાયનાડ લોકસભા બેઠક પરથી ચૂંટણી જીતી હતી અને આ વર્ષે તેઓ અહીંથી ફરી જીત્યા હતા. તેઓ ઉત્તર પ્રદેશની રાયબરેલી લોકસભા બેઠક પણ જીતી ચૂક્યા છે, તેથી તેમણે વાયનાડ મતવિસ્તાર છોડી દીધું છે. પ્રિયંકા ગાંધી આ સીટ પર પેટાચૂંટણી લડે તેવી શક્યતા છે.
વાયનાડથી આવી રહેલી તસવીરો ત્યાંની તબાહીની કહાની કહી રહી છે. આ તસવીરોએ માત્ર કેરળ જ નહીં પરંતુ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. વાસ્તવમાં, સોમવાર-મંગળવારની વચ્ચેની રાત્રે વાયનાડમાં ભારે વરસાદ એક આફત બની ગયો. સવારે ૧ વાગ્યાથી સવારે ૫ વાગ્યાની વચ્ચે ત્રણ વખત ભૂસ્ખલન થયું હતું અને પર્વતની નીચે ચેલિયાર નદીના કેચમેન્ટમાં આવેલા ચાર સુંદર ગામો, ચુરામાલા, અટ્ટમાલા, નૂલપુઝા અને મુંડક્કાઈમાં વિનાશ સર્જાયો હતો.
ભારતીય સેનાએ વાયનાડમાં ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારોમાં બચાવ કામગીરી તેજ કરી છે. માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત (એચએડીઆર) ઓપરેશન હેઠળ, ભારતીય સેનાએ વાયનાડમાં વિનાશક ભૂસ્ખલન પછી ફસાયેલા લોકોને બચાવવા માટેના તેના પ્રયત્નોને વધુ તીવ્ર બનાવ્યા છે. મેડિકલ સ્ટાફ સહિત લગભગ ૫૦૦ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે.