કોંગ્રેસના ધારાસભ્ય નાના પટોલેને સ્પીકરની બેઠક નજીક ચઢવા બદલ વિધાનસભામાંથી આખા દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પ્રશ્નકાળ પછી તરત જ, ભૂતપૂર્વ વિધાનસભા અધ્યક્ષ પટોલેએ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના ધારાસભ્ય બબનરાવ લોણીકર અને કૃષિ પ્રધાન માણિકરાવ કોકાટે પર ખેડૂતોનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો અને બંને સામે કાર્યવાહીની માંગ કરી. તેઓ સ્પીકરના પોડિયમ પાસે પહોંચ્યા અને સ્પીકર રાહુલ નાર્વેકર સાથે દલીલ કરતા જાવા મળ્યા. આ પછી, ગૃહની કાર્યવાહી પાંચ મિનિટ માટે મુલતવી રાખવામાં આવી.
ગૃહની કાર્યવાહી ફરી શરૂ થતાં, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પટોલેની ટીકા કરી અને કહ્યું કે કોંગ્રેસના નેતા સ્પીકરની તરફ આક્રમક રીતે આગળ વધ્યા હતા, જે યોગ્ય નથી અને તેમની પાસેથી અપેક્ષા રાખવામાં આવતી નહોતી. તેમણે કહ્યું કે પટોલે માફી માંગે. જાકે, પટોલે ફરીથી સ્પીકરના પોડિયમ પાસે ચઢી ગયા અને લોણીકર અને કોકાટે સામે કાર્યવાહીની માંગ કરી. આ પછી, સ્પીકરે જાહેરાત કરી કે તેઓ પટોલેને આખા દિવસ માટે ગૃહમાંથી સસ્પેન્ડ કરી રહ્યા છે. લોણીકરે તાજેતરમાં જાલના જિલ્લાના તેમના વિધાનસભા મતવિસ્તાર પરતુરમાં ખેડૂતોના એક મેળાવડામાં કહ્યું હતું કે “જે લોકો તેમના પક્ષ અને સરકારની ટીકા કરે છે તેઓએ જાણવું જાઈએ કે તેમને કપડાં, જૂતા, મોબાઇલ, યોજનાઓના નાણાકીય લાભો અને વાવણી માટે પૈસા અમારા કારણે મળી રહ્યા છે.”
આ નિર્ણયના વિરોધમાં તમામ વિપક્ષી પક્ષોએ વિધાનસભાનો બહિષ્કાર કર્યો અને ગૃહમાંથી વોકઆઉટ કર્યું. આ અંગે મહારાષ્ટ્ર વિધાનસભાના ધારાસભ્ય અને કોંગ્રેસના નેતા વિજય વાડેટ્ટીવારે કહ્યું, “તેમણે કંઈ ખોટું કર્યું નથી. જા આપણે વિધાનસભામાં ખેડૂતોના મુદ્દાઓ પર ચર્ચા કરવા માંગીએ છીએ, તો શું આપણે ખોટા છીએ? અમે તેમના મુદ્દાઓ ઉઠાવ્યા છે અને સરકારને ખેડૂતોની માફી માંગવા કહ્યું છે. પરંતુ સરકારે આ મામલે નાના પટોલેને સસ્પેન્ડ કર્યા છે. તેથી, અમે તેનો બહિષ્કાર કરી રહ્યા છીએ.”
વિધાનસભામાંથી એક દિવસ માટે સસ્પેન્ડ કરવા પર, મહારાષ્ટ્ર કોંગ્રેસના ધારાસભ્ય નાના પટોલેએ કહ્યું, “અમે ખેડૂતો વિરુદ્ધ રહેલા બધા લોકો સામે લડીશું. અને આ માટે, હું ઠીક છું, ભલે મને રોજ સસ્પેન્ડ કરવામાં આવે. અમારા સ્પીકર દ્વારા, અમને ખેડૂતો માટે અવાજ ઉઠાવવાની મંજૂરી નથી, પછી અમે અમારા રાજકીય અધિકારનો ઉપયોગ કર્યો.”