ચૂંટણીના સમયે કયારેક નેતાઓ તો કયારેક કાર્યકર્તાઓ વચ્ચે માથાકૂટ થતી રહેતી હોય છે, ત્યારે અમદાવાદના કુબેરનગરમાં આવેલી વીવી તોમર સ્કૂલમાં મારામારી થઈ હતી જેમાં પોલીસની હાજરીમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ ભાજપના કાર્યકર્તાઓને ઢીબી નાખ્યા હતા અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તપાસ શરૂ કરી હતી અને ફરિયાદ નોંધી હતી, ભાજપના કાર્યકર્તાઓને આંખના ભાગે ઈજા પહોંચી હતી. જા પોલીસ વચ્ચે ના પડી હોત તો આ મામલો વધુ વણસ્યો હોત.
આ બબાલ થવાનું કારણ એ સામે આવ્યું કે, કોંગ્રેસના ઉમેદવાર નિકુલસિંહ તોમરે એવો આક્ષેપ કર્યો હતો કે બોગસ વોટિંગ થઈ રહ્યું છે અને તેના કારણે ત્યારે ભાજપના ઉમેદવાર ગિરીવરસિંહ શેખાવત, કલાબેનનો પુત્ર અને અન્ય કેટલાક શખ્સો સ્કૂલમાં ઘૂસીને બોગસ વોટીંગ કરાવી રહ્યા છે તેવા આક્ષેપ કરતા મામલો મારામારી સુધી પહોંચ્યો હતો અને ગઈકાલે બપોરના સમયે આ ઘટના બની હતી, ત્યારે પોલીસે મામલો થાળે પાડયો હતો અને ગુનો નોંધ્યો છે જેમાં કોંગ્રેસના ઉમેદવાર સહિત ચાર લોકોની અટકાયત કરવામાં આવી છે.
આ જાણ થતાં નિકુલસિંહ તોમર ત્યાં પહોંચ્યા હતા, જ્યાં તેમની સાથે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ બંને પક્ષના કાર્યકરો વચ્ચે ઝપાઝપી શરૂ થઈ ગઈ હતી. બીજી તરફ આ બબાલ દરમિયાન કોંગ્રેસના એક કાર્યકરે ભાજપના કાર્યકર પર હુમલો કરી ફડાકો મારી દીધો હતો. જેના કારણે ભાજપના કાર્યકરની આંખના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે.