ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો (ડીઆરસી) માં શનિવારે મોડી રાત્રે ક્રિસમસની ઉજવણી દરમિયાન થયેલા આત્મઘાતી બોમ્બ વિસ્ફોટમાં ઓછામાં ઓછા છ લોકો માર્યા ગયા છે. કિવુ સિક્યુરિટી ટ્રેકરે બોમ્બ ધડાકાની પુષ્ટિ કરી હતી અને અહેવાલ આપ્યો હતો કે નાતાલની ઉજવણી વચ્ચે શોકનો માહોલ સર્જાયો હતો, આ દરમિયાન લોકોના ચીંથરા ચારે બાજુ વિખરાયેલા હતા. રિપોર્ટ અનુસાર, કોંગોમાં સાંજે લગભગ ૭ વાગે બ્લાસ્ટ થયો હતો.

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ઉત્તર કિવુ પ્રાંતના બેની શહેરમાં ક્રિસમસની ઉજવણી વચ્ચે એક પ્રચંડ બોમ્બ વિસ્ફોટ થયો હતો, જેમાં ઘણા લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. કોંગી સરકારના પ્રવક્તા પેટ્રિક મુઆયાએ ટ્‌વીટમાં વિસ્ફોટની નિંદા કરતા કહ્યું કે, નાતાલના દિવસે બેની શહેરમાં થયેલા બોમ્બ વિસ્ફોટની સરકાર નિંદા કરે છે, તેમણે બોમ્બ વિસ્ફોટને આત્મઘાતી બોમ્બરને જવાબદાર ગણાવ્યો હતો. વિસ્ફોટ બાદ સમગ્ર વિસ્તારમાં સુરક્ષા સઘન બનાવી દેવામાં આવી છે અને શોધખોળ હાથ ધરવામાં આવી છે.

જા કે વિસ્ફોટ વિશે સરકાર દ્વારા વધુ માહિતી આપવામાં આવી નથી, પરંતુ લોકોને તેમના ઘરોમાં રહેવાની અપીલ કરવામાં આવી છે. બેની સિટીના મેયર મુતેબા કશાલે નાર્સિસે લોકોને ઘરમાં જ રહેવા કહ્યું છે, જેથી સુરક્ષા અને તબીબી ટીમો ઘાયલોને સુરક્ષિત બહાર કાઢવા અને શંકાસ્પદોને ઝડપથી શોધવા માટે કામ કરી શકે. તમને જણાવી દઈએ કે, લાંબા સમયથી અસુરક્ષાથી પરેશાન ઉત્તર કિવુ અને ઇતુરી પ્રાંતમાં હિંસક ઘટનાઓ જાવા મળી રહી છે અને સુરક્ષાની સ્થિતિ જાળવી રાખવા માટે ડેમોક્રેટિક ફોર્સ ૬ મેથી પરિસ્થિતિને સંભાળવા માટે કામ કરી રહ્યા છે. ૩૦ નવેમ્બરથી યુગાન્ડા પીપલ્સ ડિફેન્સ ફોર્સે કોંગી સૈન્યના સહયોગથી ઉત્તરપૂર્વીય ડીઆરસીમાં કેટલાક બળવાખોરો સામે સત્તાવાર રીતે હવાઈ અને આર્ટિલરી અભિયાન શરૂ કર્યું છે. આ પહેલા આ વર્ષે જૂનમાં આત્મઘાતી હુમલાખોરો દ્વારા કરવામાં આવેલા બે બોમ્બ વિસ્ફોટમાં ઘણી હિંસા થઈ હતી.