દિલ્હી સરકારની કેબિનેટમાંથી આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા કૈલાશ ગેહલોતના રાજીનામા બાદ તેમનું પદ ખાલી થઈ ગયું હતું. આમ આદમી પાર્ટીએ આ ખાલી જગ્યા ભરવાનો નિર્ણય લીધો છે. તમને જણાવી દઈએ કે કૈલાશ ગેહલોતના રાજીનામા બાદ હવે તેમની કેબિનેટમાં તેમની જગ્યાએ રઘુવિંદર શૌકીનને મંત્રી બનાવવામાં આવશે. તમને એ પણ જણાવી દઈએ કે રઘુવિંદર શૌકીન નાગલોઈ જાટના ધારાસભ્ય છે.
તમને જણાવી દઈએ કે, આમ આદમી પાર્ટીના મજબૂત નેતા કહેવાતા કૈલાશ ગેહલોતે ગયા રવિવારે એટલે કે ૧૭ નવેમ્બર ૨૦૨૪ના રોજ આમ આદમી પાર્ટી છોડીને પાર્ટીના સભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું. તેમનું રાજીનામું દિલ્હીના મુખ્યમંત્રી આતિષીએ પણ સ્વીકારી લીધું હતું. કૈલાશ ગેહલોતે ગઈકાલે આપમાંથી રાજીનામું આપ્યું હતું અને આજે તેઓ ભાજપમાં જાડાયા હતા. હવે દિલ્હી કેબિનેટમાં તેમના સ્થાને રઘુવિન્દર શૌકીનને મંત્રી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપવા અંગે કૈલાશ ગેહલોતે કહ્યું કે,આપ છોડવું સરળ નહોતું પરંતુ આપમાં અત્યારે સ્થિતિ સારી નથી. આપમાં વિશ્વાસ તૂટી ગયો. તેમણે વધુમાં કહ્યું કે, ‘ઈડી અને સીબીઆઇના દબાણની વાત ખોટી છે. હું કોઈના દબાણમાં આવીને નિર્ણય લેતો નથી. કેન્દ્ર સાથે ટકરાવ દરેક મામલામાં ખોટું છે. કેન્દ્ર સાથે લડવું એ સમયનો વ્યય છે. એટલું જ નહીં, કૈલાશ ગેહલોતે વધુમાં કહ્યું કે, ‘આમ આદમી પાર્ટી માત્ર રાજકીય એજન્ડા માટે લડી રહી છે. કેજરીવાલે પોતાના માટે આલીશાન ઘર બનાવ્યું. પાર્ટી સામાન્ય માણસના મુદ્દા ઉઠાવતી નથી. અમે વચન આપ્યું હતું પણ યમુનાને સાફ ન કરી શક્યા. યમુના આજે સૌથી વધુ પ્રદૂષિત છે.