જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના બાલાગામ ગામે રહેતા વાઢેર પરિવારે પોતાના ઘર પાસે ગેરકાયદેસર રીતે કરવામાં આવેલા દબાણ સામે ત્રણ વર્ષ સુધી સંઘર્ષ કર્યા બાદ અંતે કેશોદ પ્રાંત અધિકારીની કચેરીના પ્રાંગણમાં આમરણાંત ઉપવાસ શરૂ કર્યો છે. પરિવારના મુખિયા મનસુખભાઈ વાઢેર તેમનાં પત્ની, બાળકો અને વૃદ્ધ માતા-પિતા સાથે આ ઉપવાસ પર બેઠા છે.
પાછલા ત્રણ વર્ષથી આ પરિવાર તેમના જ ઘરની બહાર નીકળવાના માર્ગ પર કેટલાક વ્યક્તિઓ દ્વારા બનાવવામાં આવેલી પથ્થરની દિવાલ (દબાણ)ને કારણે ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે. આ દિવાલને કારણે પરિવારના સભ્યોને ઘરની બહાર નીકળવામાં અને ઘરે પરત ફરવામાં ભારે તકલીફ પડે છે.
પરિવાર સાથે ઉપવાસ પર ઉતરનાર મનસુખ વાઢેરે જણાવ્યું હતું કે “અમારા ઘરની બહાર નીકળવાનો રસ્તો કેટલાક લોકોએ પથ્થરની દીવાલ ચણીને બંધ કરી દીધો છે. જાહેર માર્ગ પર આ રીતે દીવાલ ઊભી કરીને અમારા પરિવારને પરેશાન કરવાનો ઈરાદો છે. અમે ગ્રામ પંચાયતથી મુખ્યમંત્રી સુધી ત્રણ વર્ષથી સતત રજૂઆતો કરી રહ્યા છીએ અને પુરાવા પણ આપ્યા છે. તેમ છતાં આ દબાણ દૂર થયું નથી. હવે અમે સમગ્ર પરિવાર સાથે અહીં આમરણાંત ઉપવાસ પર બેઠા છીએ. જ્યાં સુધી ગેરકાયદેસર દબાણ દૂર નહીં થાય ત્યાં સુધી અમે આ ઉપવાસ ચાલુ રાખીશું.”
વાઢેર પરિવારે આ સમસ્યાના નિરાકરણ માટે અત્યાર સુધી ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, મામલતદાર, પ્રાંત અધિકારી, જિલ્લા કલેકટર અને રાજ્યના મુખ્યમંત્રીને અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરી છે. તમામ જરૂરી પુરાવાઓ પણ સરકારી અધિકારીઓ સમક્ષ મૂકવામાં આવ્યા હતા. જાકે, ત્રણ વર્ષના સતત પ્રયાસો છતાં પણ પરિવારને કોઈ પ્રકારનો ન્યાય મળ્યો નથી.
આ પહેલા થોડા મહિનાઓ પહેલા પરિવારે જુનાગઢ જિલ્લા કલેકટર કચેરી બહાર પણ ઉપવાસ કર્યો હતો. તે સમયે અધિકારીઓએ થોડા દિવસોમાં દબાણ હટાવી દેવાનું આશ્વાસન આપીને પરિવારને પરત મોકલી આપ્યો હતો. પરંતુ એક વર્ષથી વધુ સમય વીતી ગયો તોય ગેરકાયદેસર દિવાલ યથાવત છે.
આ સમગ્ર મામલા અંગે કેશોદ તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર, ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટીનો સંપર્ક સાધવાનો આખો દિવસ પ્રયાસ કર્યો હતો. જાકે, કોઈપણ અધિકારી કે પદાધિકારીનો ફોન પર સંપર્ક થઈ શક્્યો ન હતો. વહીવટી તંત્રની આ બેદરકારીના કારણે પરિવાર અંતે આત્યંતિક આંદોલન કરવા મજબૂર થયો છે.
હાલમાં કેશોદ પ્રાંત અધિકારી કચેરીના પ્રાંગણમાં આ પરિવારનો ઉપવાસ ચાલુ છે. સ્થાનિક લોકો અને સામાજિક કાર્યકરોએ પરિવારની સાથે સહાનુભૂતિ દર્શાવી છે. હવે જાવાનું એ રહ્યું કે આત્યંતિક આંદોલન બાદ વહીવટી તંત્ર કેટલી ગંભીરતા દાખવે છે અને આ પરિવારને ત્રણ વર્ષના લાંબા સંઘર્ષ બાદ ન્યાય મળી શકે છે કે કેમ.
જાકે, આ વિશે જુનાગઢ કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયા એ વિગતો આપતા જણાવ્યું હતું કે, આ મામલે પ્રાંત અધિકારી કેશોદને દબાણ વાળા સ્થળ પર યોગ્ય રીતે જમીન માપણી કરીને તેમાં કોઈપણનું દબાણ કરવામાં આવ્યું છે, તેવું બહાર આવે તો તેને ખુલ્લું કરાવવાની અને યોગ્ય કરવાની જવાબદારી પ્રાંત અધિકારી કેશોદ વંદના મીણને સોંપી છે.




































