ઉનાળાના ધોમધખતા તાપમાં તરસ લાગે ત્યારે પાણીનું મહત્વ સમજાય. એસીમાં બેસીને ઠંડુ પાણી પીએ તો ખાસ કંઈ મજા ના આવે પણ તડકે તપીને બરાબરની તરસ લાગે ત્યારે સામાન્ય ઠંડુ પાણી પણ હૈયે ખૂબ ટાઢક આપે છે. તાપ અને તરસને જેમ ગાઢ સંબંધ છે તેમ જીવનમાં પણ સંતાપ સતાવે ત્યારે કોઈ એવી વ્યક્તિનું આશ્વાસન મળી જાય તો ઠંડા પાણી જેવું કામ આપી જાય. ગરમી વિના ઠંડીની કિંમત થતી નથી. દુઃખ વિના સુખની કદર થતી નથી. મનુષ્યનું મન સ્થિર રહેવાના બદલે અસ્થિર થવા લાગે ત્યારે કૈંક તડપ કે તલાશ હોય છે. સાધારણ પરિસ્થિતિમાં વ્યક્તિ જીવવા ટેવાઈ ગયો હોય છે. પછી ભલે સામાન્ય પરિસ્થિતિમાં કેમ ના જીવતો હોય પણ અચાનક જીવનમાં કૈંક ઉથલપાથલ થાય ત્યારે જે અસ્થિરતા ઉભી થાય છે તે ખૂબ પીડાદાયક હોય છે. પગમાં કાંટો અને આંખના કણાની જેમ જીવનમાં કે લાઇફ સ્ટાઇલમાં અચાનક થતો ફેરફાર મનમાં સતત ડંખે છે. કૈંક ગુમાવ્યાનો તાપ સતત ડંખે છે. બધું સામાન્યવત કરવાની તરસ અને સલામતીની તડપ મનમાં સતત રમ્યા કરતી હોય ત્યારે કોઈ કરિશ્માની તલાશ હોય છે. જીવનમાં નવું મેળવવા કરતા ગુમાવેલું પાછુ મેળવવાની ઝંખના જાગે છે. હસતું ખીલતું મન સતત દુઃખમાં ડૂબકી લગાવીને તાપથી બચવા તરસે છે. આવું થાય ત્યારે વીતેલી વ્યથાઓ અને અધૂરા અરમાનો ભૂલીને ક્ષણિક સાધનામાં મન પરોવાય એટલી ઘડી જ સુખનો અહેસાસ થાય છે. ઈચ્છાઓ અધૂરી રહી જાય, ભૂતકાળનો પડછાયો વર્તમાનના પ્રકાશને જાંખો કરતો કરતો ધૂંધળા ભવિષ્યની કલ્પનાઓ સુધી લંબાય ત્યારે અનિશ્વિત્તાઓના વાદળામાંથી સમાધાન રૂપી છાંટાની આશા થોડી સાંત્વના આપે છે. ક્યારેક બધું ભૂલીને કંઈ નથી બન્યું એવા ખ્વાબોમાં તરસ છીપાય ના છીપાય ત્યાં ફરી પાછું અધૂરું યાદ આવે ને શું કરવું, શું ન કરવુંની ગડમથલમાં મન આમથી તેમ ગોથા મારે. કોઈ પૂછે કેમ છે? ત્યારે મઝામાં કહેતા બહુ વાર લાગે ત્યારે સમજી જવું કે ઉપરથી દેખાય છે તે દેખાડો છે, અંદર તાપ, તરસ, તડપ અને કૈંક તલાશ છે. વ્યક્ત કરવાથી વધે તેવી સમસ્યા ઘેરી વળે ત્યારે અંદરનો તાપ રુદિયાંને રંજાડે છે. અંદર દાવાનળ લાગ્યો હોય અને બહારથી દુનિયા સાથે તાલમેલ રાખવા મથવું પડે ત્યારે મધદરિયે ડૂબ્યા પછી કિનારો મળે કે ના મળે તેવી દશામાં દિશા ભૂલ્યાનું ભાન થતું હોય છે. આખરે માણસની ઓકાત કેટલી? કેટલું સહી શકે, કેટલો ભાર ઉપાડી શકે. બહુ બળ કરે તોય કેટલું ખેંચી શકે? પછી તો હારીને કે હરેરીને હથિયાર હેઠા મૂકવા સિવાય કોઈ વિકલ્પ વધે નહી ત્યારે કોઈ ત્રીજી વ્યક્તિની તલાશ માટે મન તડપતું હોય છે. એ આવીને કૈંક ઉકેલ બતાવે તોજ રસ્તો સુજે નહિતર જ્યાં પહોંચ્યા ત્યાં જ થાકીને બેસી જવું પડે. મંજિલ દૂર હોય અને પાછું વળી શકાય તેમ ના હોય ત્યારે અધવચ્ચે આમતેમ આંટાફેરા મારવા પડે છે. આયખું પૂરું થાય કે અભરખા પૂરા થાય એવું નક્કી ના હોય ત્યારે સુખદુઃખમાં કંઈ ફરક લાગતો નથી. નિર્ણય વ્યક્તિ નહિ પણ પરિસ્થિતિ કરતી હોય ત્યારે સામાન્ય ગણતરી એકબાજુ મૂકીને અપવાદ સ્વીકારવો પડે છે. અનેક વર્ષોના સંઘર્ષ પછી મેળવેલું નજર સામે તણાતું હોય ત્યારે વિચારોના વમળ વચ્ચે જીવન રૂપી હોડી હાલકડોલક થતી હોય એવા સમયે કોઈ ફરિસ્તો આવીને થોડી હૈયાધારણ આપી જાય ત્યારે ટાઢક થાય. બાકી તો કોઈ પૂછે કેમ છો તો મોજમાં કહેતા મન મુંજાય ત્યારે માત્ર ઈશ્વર ઈચ્છા બળવાન, એ જ આશરો સાચો, ધાર્યું ધણીનું થાય. કેવી છે કુદરતની કળા, અણધાર્યું તે આગળ થાય.