કેળવણીને સમજતાં પહેલાં આપણે કલા શું છે એ જાણીએ. કલાનો એકદમ સીધો સાદો અર્થ કરીએ તો કહી શકાય કે કલાકારની અંદર રેહેલ ઉત્તમ તત્વોની અભિવ્યક્તિ એટલે કલા. મનના અંતઃકરણની સુંદરતમ અભિવ્યક્તિ એટલે કલા. તમને થશે કે આજે કલા કેમ સાંભરી ? તો સાંભળીલો સજ્જન નર અને નારીઓ. હાલ પ્રાથમિકથી માંડીને પ્રોઢ સુધીના વ્યક્તિ માટે કલા મહાકુંભ યોજાઈ રહ્યાં છે. કલા વ્યક્ત કરવા માટે વિધ વિધ નામો પણ આપવામાં આવ્યાં છે. જેમકે કલા-ઉત્સવ, કલા-મહાકુંભ, બાળ પ્રતિભાશોધ કલા ઉત્સવ વગેરે….
કલા શબ્દનો પ્રથમ પ્રયોગ ભરતના ‘નાટ્યશાસ્ત્ર’માંથી મળી આવે છે. ત્યારબાદ ઉશનસજીને પણ શુક્ર્નીતિમાં ઉલ્લેખ કર્યો છે. મોટાભાગે ભારતીય પરંપરાઓમાં કલાના ચોસઠ પ્રકાર જણાવ્યા છે. પરંતુ પ્રબંધકોશમાં બોત્તેર કલાઓનો ઉલ્લેખ જોવા મળે છે. આ ઉપરાંત લલિતવિસ્તરમાં છ્યાશી કલાઓનો પણ ઉલ્લેખ નોંધાયેલો જોવા મળે છે. સાથે સાથે સૌથી વધારે કલાઓનો ઉલ્લેખ કાશ્મીરી પંડિત ક્ષેમેન્દ્રએ જણાવેલ છે. ક્ષેમેન્દ્ર જણાવે છે કે ચોસઠ જન ઉપયોગી કલા. બત્રીસ ધર્મ, અર્થ, કામ અમે મોક્ષ સંબધિત કલાઓ અને આ ઉપરાંત ઘણી કલાઓ વર્ણવી છે.
હવે જોઈએ કે આ કલાનું આપણાં જીવનમાં મહત્વ શું છે ? શા માટે આપણે કલાના શરણે જઈએ છીએ ? જો કલા આપણાં જીવનમાં ન હોય તો શું થાય ? તો આજે આપણે એ વાતને પણ સમજી લઈએ. આપણું જીવન ઊર્જાનો મહાસાગર છે. જ્યારે આપણી આંતર ચેતના જાગૃત થાય છે ત્યારે એ ઊર્જા આપણાં જીવનને સમૃધ બનાવે છે. આ સમૃદ્ધિનો ઉભાર એટલે કલા. યાદ રાખીએ કે આપણું જીવન સત્ય, શિવમ, સુંન્દરમથી સમન્વિત છે. તેનાં દ્વારા જ આત્માનું સાચું સ્વરૂપ છલકાય છે. કલા એવી ક્ષિતિજ છે કે જેનો કોઈ અંત નથી. જેનો કોઈ કિનારો નથી. કલા એટલી વિશાળ… એટલી બધી વિસ્તૃત કે તેનો કોઈ છોર નથી ! એટલે જ કહેવાયું છે કે ‘સાહિત્ય સંગીત કલા વિહીન: સાક્ષાત પશુ: પુચ્છ વિષાણહિન: |’
કલા વિશે રવીન્દ્રનાથ કહે છે કે ‘કલા વ્યક્ત કરવામાં મનુષ્ય પોતાના ભાવો વ્યક્ત કરે છે.’ પ્લેટો જણાવે છે કે ‘કલા એ સત્યની અનુકૃતિની પણ અનુકૃતિ છે !’ તો ટોલ્સ્ટોય કલા વિશેષ છણાવટ કરીને કહે છે કે ‘કલા અટેલે… વ્યક્તિ પોતાના ભાવોની ક્રિયા, રેખા, ધ્વની કે શબ્દ દ્વારા અભિવ્યક્ત થવું અથવા સાંભળવાના ભાવો ઉત્તપન્ન થવા એ કલા છે.’ ખરેખર ! કલા એક શક્તિ છે.
વિધ વિધ શાળાઓના ભૂલકાંઓ કે બડા વિદ્યાર્થીઓ હાલ કલા મહાકુંભમાં પોતાનું આગવું કૌશલ્ય પ્રદર્શિત કરી રહ્યાં છે. ચાર દિવાલોમાં ચાલતી કેળવણી કલા મહોત્સવ પ્રસંગે બહાર વિહરે છે ત્યારે કેળવણી અને કલાનો શુભગ સમન્વય થાય છે. યાદ રહે કે માત્રને માત્ર કેળવણી પામનાર વિદ્યાર્થીઓ જો કલાનો સાથ પણ સ્વીકારે તો તેની તૈયારીમાં ચાર ચાંદ લાગી જાય. કલાઓ સ્ટેજ પર થનગનતી રહે અને કેળવણી અવિરત રહે !
લંચ બોક્સ
૧૪મી ફેબ્રુઆરી એ વેલેન્ટાઇન ડે આવે છે; તો આપણે તેના પર્યાય શબ્દ માટે શું કહીશું ?
કલા. પ્રેમ એ પણ એક કલા જ છે.