અમરેલી જિલ્લાના ગ્રામ્ય પંથકમાં વન્ય પ્રાણીઓ રસ્તા પર ઉતરી આવવાના કારણે સર્જાતા અકસ્માતોની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે.
કેરીયા- હરસુરપુરથી દેવળીયા જતાં માર્ગ પર મોટરસાયકલ આડે અચાનક રોઝડું (નીલગાય) ઉતરતા સર્જાયેલા અકસ્માતમાં એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. લાઠીમાં રહેતા નિલેશભાઇ ભરતભાઇ ગાંભવા (ઉ.વ.૨૯) એ જાહેર કર્યા મુજબ, ભરતભાઇ બટુકભાઇ ગાંભવા (ઉ.વ.૫૮) કેરીયા- હરસુરપુરથી દેવળીયા રોડ પરથી પોતાનું મોટરસાયકલ લઈને પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન અચાનક રસ્તા પર એકાએક રોઝડું આડું ઉતરતા ચાલકે સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. મોટરસાયકલ રોઝડા સાથે અથડાતા ચાલક જોરદાર વેગ સાથે રોડ પર પટકાયા હતા. મોટરસાયકલ પરથી રોડ પર પટકાતા ચાલકને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેના કારણે તેમનું મોત થયું હતું. લાઠી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ કે એન ગેરૈયા વધુ તપાસ કરી રહ્યા છે.