અમરેલી તાલુકાના કેરિયાનાગસ ગામમાં આવેલા તળાવમાં ચોમાસાના સારા વરસાદને કારણે નવા નીરની આવક થતા ગામ સહિત આસપાસના વિસ્તારોમાં આનંદની લાગણી જોવા મળી હતી. તળાવમાં પાણીની નોંધપાત્ર આવક થતા ખેડૂતોમાં ખુશી છવાઈ ગઈ હતી અને આગામી ખેતી સીઝન માટે આશાનું વાતાવરણ સર્જાયું હતું. આ પ્રસંગે ઊર્જા અને કાયદા રાજ્યમંત્રી કૌશિક વેકરીયાએ ગામના ખેડૂતો અને આગેવાનો સાથે નવા નીરના વધામણા કર્યા હતા. કૌશિક વેકરીયાએ જણાવ્યુ હતું કે પાણી વિકાસનો મુખ્ય આધાર છે અને તળાવો ભરાતા માત્ર જળાશયો જ નહિ પરંતુ ખેડૂતોની આશાઓ પણ નવી ઉંચાઈ મેળવે છે. તેમણે કહ્યુ કે સરકાર દ્વારા જળસંચયના વિવિધ કામોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યુ છે જેથી વરસાદી પાણીનો વધુમાં વધુ સંગ્રહ થઈ શકે અને ભવિષ્યમાં પાણીની તંગી ઉભી ન થાય. કેરિયાનાગસ તળાવમાં આવેલા નવા નીરથી ખેડૂતોને સિંચાઈ માટે પૂરતુ પાણી મળવાની શક્યતા ઉભી થઈ છે. તળાવ ભરાવાથી ભૂગર્ભ જળસ્તરમા પણ વધારો થશે અને પશુપાલકોને પણ લાભ મળશે. ગામના લોકોના મતે આ પાણી આગામી રવિ તેમજ ઉનાળુ પાક માટે ખૂબ ઉપયોગી સાબિત થવાનુ છે. જેના કારણે ખેતી ઉત્પાદન વધવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. પ્રસંગ દરમિયાન ગામલોકોએ પ્રકૃતિ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો અને પાણીના સંરક્ષણ માટે જાગૃતિ લાવવાની જરૂરિયાત ઉપર ભાર મુક્યો હતો. ઉપસ્થિત લોકોએ પાણીનો કરકસરભર્યો ઉપયોગ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. ગ્રામજનોએ જણાવ્યુ કે પાણીના દરેક ટીપાનુ જતન કરવામાં આવશે તો જ આવનારી પેઢી માટે જળસુરક્ષિત અને સમૃધ્ધ ગુજરાતનું નિર્માણ શક્ય બનશે.