હવામાન વિભાગે ચોમાસાને લઈને સારા સમાચાર આપ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, કેરળમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે. સામાન્ય રીતે કેરળમાં ૧લી જૂન સુધીમાં ચોમાસું દસ્તક આપે છે, પરંતુ આ વર્ષે અહીં ચોમાસું ૨૯મી મેના રોજ ૩ દિવસ વહેલું જ પહોંચી ગયું છે. આ સાથે જ ઘણાં રાજ્યો માટે એલર્ટ જોરી કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી ૨૪ કલાક દરમિયાન પૂર્વોત્તર ભારત- તામિલનાડુ, કેરળ, લક્ષદ્વીપ, આંદામાન અને નિકોબાર ટાપુના દક્ષિણ અને કર્ણાટકના દરિયા કાંઠાના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બિહાર, ઝારખંડ, ઓડિશા, છત્તીસગઢ, ઉત્તરપ્રદેશ, પૂર્વ મધ્યપ્રદેશ, તેલંગાણા અને આંધ્રપ્રદેશના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા છે, જ્યારે, પૂર્વ રાજસ્થાન, દિલ્હી અને હરિયાણાના કેટલાક ભાગોમાં ધૂળની ડમરીઓ અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે.
બિહારમાં પણ હવામાન વિભાગે આગાહી કરી છે કે ચોમાસું સમય કરતાં વહેલું આવી જશે. ગયા વર્ષે પણ ચોમાસું સંભવિત તારીખથી એક દિવસ પહેલાં આવ્યું હતું. આ વખતે આગાહી ૨ દિવસ વહેલા આવવાની હતી. બિહારમાં ૧૩થી ૧૫ જૂન વચ્ચે ચોમાસાની તારીખ નક્કી થયેલી છે.
મધ્યપ્રદેશમાં પ્રી-મોન્સૂન સક્રિય છે. જબલપુર, ગ્વાલિયર-ચંબલ, રીવા, સાગર, શહડોલ ડિવિઝનમાં દરરોજ હળવો વરસાદ થઈ રહ્યો છે, પરંતુ માલવા-નિમાડમાં હળવા ઝરમર ઝરમર સિવાય ખાસ અસર જોવા મળી ન હતી. જોકે અહીં પણ જૂનના પ્રથમ સપ્તાહમાં પ્રી-મોન્સૂન સક્રિય રહેશે અને વરસાદ પડશે. અહીં ૧૫ જૂન પછી ચોમાસું ઈન્દોર-જબલપુર થઈને મધ્યપ્રદેશ પહોંચે એવી શક્યતા છે. સમગ્ર રાજ્યમાં ૨૦ જૂન સુધી વરસાદ થવાની શક્યતા છે. હાલમાં જબલપુર, ગ્વાલિયર-ચંબલ, સાગર, રીવા અને શહડોલ ડિવિઝનમાં પ્રી-મોન્સૂન વરસાદ પડી રહ્યો છે, પરંતુ ભોપાલ-ઈન્દોર સહિત માલવા-નિમાડમાં વરસાદ નથી.