યુએઇ ટીમના કેપ્ટન મોહમ્મદ વસીમે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તે એક ખેલાડી તરીકે રમવાનું ચાલુ રાખશે. હવે તેની જગ્યાએ વિકેટકીપર બેટ્‌સમેન રાહુલ ચોપરાને કેપ્ટનશિપની જવાબદારી મળી છે. તે આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપ લીગ ૨ ના આગામી રાઉન્ડમાં યુએઇનું નેતૃત્વ કરશે. જ્યાં ટીમને ઓમાન અને નેધરલેન્ડ સામે મેચ રમવાની છે.
મોહમ્મદ વસીમે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર લખ્યું છે કે વનડે ફોર્મેટમાં મારી બેટિંગ પર ધ્યાન આપવા માટે મેં કેપ્ટનશિપ છોડવાનો નિર્ણય કર્યો છે. મારી શુભકામનાઓ નવા કેપ્ટન સાથે છે, હું તેને મારું સંપૂર્ણ સમર્થન આપીશ. વસીમ વર્ષ ૨૦૨૩માં યુએઈ ટીમનો કેપ્ટન બન્યો હતો. તેમની કપ્તાની હેઠળ, ટીમે ૨૬ વનડે મેચ રમી, જેમાંથી તેઓ ૭ જીત્યા અને ૧૯ હારી ગયા. વસીમે જીતેલી મેચોમાં ટીમ માટે અસાધારણ રીતે સારું પ્રદર્શન કર્યું હતું. તેણે તે સાત મેચમાં ૬૪.૨૮ની એવરેજથી સ્કોર કર્યો હતો. આ ફોર્મેટમાં તેની એકમાત્ર સદી સહિત કુલ ત્રણ અડધી સદી ફટકારી.
મોહમ્મદ વસીમના સ્થાને કેપ્ટન બનાવવામાં આવેલા રાહુલ ચોપરા પાસે વધુ અનુભવ નથી. ચોપરાએ અત્યાર સુધી માત્ર ૭ વનડે મેચ રમી છે અને આ વર્ષે તેણે યુએઈ માટે વનડે ડેબ્યુ કર્યું હતું. તેના નામે ૧૩૯ વનડે રન નોંધાયેલા છે. આ સિવાય તેણે ૬ ટી ૨૦ ઈન્ટરનેશનલ મેચમાં ૭૧ રન બનાવ્યા છે.
યુએઈની ટીમ ક્રિકેટ વર્લ્ડ કપ લીગ ૨ (૨૦૨૩-૨૭)માં સારું પ્રદર્શન કરી શકી નથી. ટીમે અત્યાર સુધીમાં કુલ ૭ મેચ રમી છે જેમાંથી તેણે માત્ર એક જ જીતી છે અને ૬માં હારનો સામનો કરવો પડ્યો છે. ટીમ પોઈન્ટ ટેબલમાં ૮મા સ્થાને પહોંચી ગઈ છે. રાહુલ ચોપરાની કપ્તાની હેઠળ યુએઈની ટીમ પહેલા ક્રિકેટ વર્લ્ડ કપ લીગ ૨ (૨૦૨૩-૨૭)માં તેની બાકીની મેચો જીતવા અને તેના પ્રદર્શનમાં સુધારો કરવા ઈચ્છશે.