મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે મહા વિકાસ આઘાડી સરકાર સહિત પક્ષને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.તે સાથે જ બળવાખોર ધારાસભ્યો સામે શિવસેનાના કાર્યકરોમાં રોષ જોવા મળી રહ્યો છે.આજે પુણેમાં શિવસેનાના બળવાખોર ધારાસભ્ય તાનાજી સાવંતની ઓફિસમાં એ શિવસેનાના કાર્યકરોએ તોડફોડ કરી હતી. આ દરમિયાન કાર્યકરોએ ઉદ્ધવ ઠાકરેના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. બીજી બાજુ અમરાવતીથી અપક્ષ સાંસદ નવનીત રાણાએ ઉદ્ધવ ઠાકરે પર પ્રહાર કરતા વીડિયો શેર કર્યો અને કહ્યું કે, ‘મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવું જોઈએ’.
જેમાં તે કહે છે, “આ ગુંડાગીરી બંધ થવી જોઈએ. મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે ગુંડાગીરી, સત્તાનો દુરુપયોગ, રાજ્યમાં બંધારણને ખતમ કરવાના નિયમો લાવ્યા છે.” તેમણે કહ્યું, ‘હું વિનંતી કરું છું કે તેમના પરિવારોને સુરક્ષા આપવામાં આવે તેમજ મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવે.તેમણે વધુમાં કહ્યું, “તમે કહો કે આ ધારાસભ્યો તેમનાથી કેમ અલગ થયા?” તેમણે ગૃહ પ્રધાન અમિત શાહને હાથ જોડીને વિનંતી કરી કે બાળાસાહેબની વિચારધારાને અનુસરતા આ ધારાસભ્યોના પરિવારોને સુરક્ષા આપવામાં આવે.
તમને જણાવી દઈએ કે, શિવસેનાના મોટા નેતા ચંદ્રકાંત જોધવે પુણેમાં બળવાખોર ધારાસભ્ય તાનાજી સાવંતના કાર્યાલયમાં તોડફોડને યોગ્ય ઠેરવતા કહ્યું કે આ માત્ર કાર્યવાહીની પ્રતિક્રિયા છે. તેમણે કહ્યું કે, તમામ ધારાસભ્યોને શિવસેનાની ભાષામાં જવાબ આપવામાં આવશે અને તેથી જ આ પ્રતિક્રિયા હવે રાજ્યમાં દરેક જગ્યાએ જોવા મળશે.