આરોગ્ય ક્ષેત્રે યોજનાઓ મારફતે કેન્દ્ર સરકાર દર્દીઓને સારવાર અને દવાના ખર્ચમાં રાહત આપવા માટે સતત કાર્યરત છે. આ ક્રમમાં કેન્દ્ર સરકારે હવે ટીબી રોગીઓ માટે માસિક પોષણ સહાય વર્તમાન ૫૦૦થી વધારીને ૧૦૦૦ પ્રતિ માસ કરી છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે નિક્ષય પોષણ યોજના હેઠળ ટીબીના દર્દીઓને આપવામાં આવતી માસિક પોષણ સહાયની રકમ બમણી કરવાનો નિર્ણય લીધો છે. સોમવારે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન જેપી નડ્ડાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગતિશીલ નેતૃત્વ હેઠળ ભારતને ટીબી મુક્ત બનાવવા માટે ભારત કટિબદ્ધ અને પ્રતિબદ્ધ છે.
સોશિયલ મીડિયા પર માહિતી શેર કરતા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે ટીબીની સારવારમાં પોષણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આને ધ્યાનમાં રાખીને ટીબીના દર્દીઓને રોગ સામેની લડાઈમાં મજબૂત બનાવવાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે સારવારના સમયગાળા દરમિયાન તમામ ટીબી દર્દીઓ માટે નિક્ષય પોષણ યોજના હેઠળ માસિક પોષણ સહાય વર્તમાન રૂ. ૫૦૦ થી વધારીને રૂ. ૧૦૦૦ પ્રતિ માસ કરી છે. ટીબીના તમામ દર્દીઓ માટે પોષણ આધાર તરીકે નિક્ષય પોષણ યોજના માટે રૂ. ૧૦૪૦ કરોડની વધારાની ફાળવણી મંજૂર કરવામાં આવી છે.
હવે ટીબીના દર્દીઓના તમામ ઘરગથ્થુ સંપર્કોને પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન હેઠળ આવરી લેવામાં આવશે અને તેઓ સમુદાય તરફથી સામાજિક સમર્થન મેળવવાને પાત્ર હશે. નોંધનીય છે કે નિક્ષય પોષણ યોજના હેઠળ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા અત્યાર સુધીમાં ૧.૧૩ કરોડ લાભાર્થીઓને રૂ. ૩,૨૦૨ કરોડનું વિતરણ કરવામાં આવ્યું છે.