દેશભરમાં ૧૧મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી ગુજરાત રાજ્યમાં પણ આ દિવસની ઉજવણી વિવિધ સ્થળોએ ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી. રાજ્ય સરકારે વડનગર ખાતે મુખ્ય કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પણ અમદાવાદમાં યોગ દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો.
અમદાવાદના પ્રહલાદ નગર ગાર્ડન ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં યોગ દિવસની ઉજવણી થઈ હતી. આ કાર્યક્રમમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી, વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર, નારણપુરાના ધારાસભ્ય જીતુ પટેલ, સાબરમતીના ધારાસભ્ય હર્ષદ પટેલ, અમદાવાદ શહેર ભાજપના પ્રમુખ પ્રેરક શાહ તેમજ ભાજપના અન્ય અગ્રણી નેતાઓએ હાજરી આપી હતી.
આ વર્ષની યોગ દિવસની થીમ “સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત” રાખવામાં આવી હતી. આ થીમ હેઠળ મેદસ્વિતા મુક્ત અભિયાનના પોસ્ટરો રાજ્યભરમાં જાવા મળ્યા હતા. યોગ, ભારતની પ્રાચીન સ્વાસ્થ્ય અને શારીરિક સુખાકારીની પરંપરા તરીકે ઓળખાય છે. ૨૦૧૪માં યુનાઇટેડ નેશન્સના ૧૭૭ દેશોના સમર્થનથી ૨૧ જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો, અને ૨૦૧૫થી વિશ્વભરમાં આ દિવસ ઉજવાય છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વર્ષે વિશાખાપટ્ટનમથી ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શરૂઆત કરી હતી. તેમણે સામૂહિક યોગ સત્રમાં ભાગ લઈ, દેશવાસીઓને યોગ દ્વારા સ્વસ્થ અને તંદુરસ્ત જીવન જીવવાનો સંદેશ આપ્યો હતો. મોદીએ યોગને માનસિક, શારીરિક અને આધ્યાત્મીક સ્વાસ્થ્ય માટે અગત્યનું ગણાવ્યું અને લોકોને તેને રોજિંદા જીવનનો હિસ્સો બનાવવા અપીલ કરી હતી.
ગુજરાતમાં અમદાવાદ સહિત રાજ્યના વિવિધ શહેરો અને ગામડાઓમાં સામૂહિક યોગ સત્રો યોજાયા હતા. શાળાઓ, મંદિરો, ઉદ્યાનો અને જાહેર સ્થળોએ લોકોએ યોગાસનો કરીને આ દિવસની ઉજવણી કરી હતી. આ દિવસે યોગના મહત્વને લઈ જાગૃતિ ફેલાવવા વિવિધ સંસ્થાઓ અને સ્વૈચ્છીક સંગઠનોએ પણ ભાગ લીધો હતો. રાજ્યભરમાં યોગ દિવસની ઉજવણીએ સ્વસ્થ જીવન અને ફિટનેસનો સંદેશ ફેલાવ્યો, જે યોગની ભારતીય પરંપરાને વધુ ઉજાગર કરે છે.