કેન્દ્રીય કેબિનેટે કેન્દ્ર સરકારના ત્રણેય કૃષિ કાયદા પાછા લેવાના ફેસલા પર મોહર લગાવી દીધી છે. દિલ્હીમાં આજે કેબિનેટની બેઠક મળી હતી, જેમાં કૃષિ કાયદા પરત લેવાના ફેસલાને મંજૂરી આપી દેવામાં આવી છે. અગાઉ ગુરુનાનક જયંતીના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ કૃષિ કાયદાને પાછા લેવાનું એલાન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારના આ ત્રણેય કૃષિ કાનૂનો વિરુદ્ધ દિલ્હીની સીમાઓ પર પાછલા એક વર્ષથી પણ વધુ સમયથી ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે.
જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૯ નવેમ્બરે ત્રણેય કૃષિ કાયદા પાછા લેવાનું એલાન કર્યું હતું. વડાપ્રધાને કહ્યું હતું કે ત્રણેય કૃષિ કાયદા પાછા લેવા માટે સરકાર સંવૈધાનિક રીત અપનાવશે અને ૨૯ નવેમ્બરથી શરૂ થઈ રહેલ સંસદના સત્રમાં તે પાછો ખેંચવા માટે બિલ રજૂ કરવામાં આવશે. એટલું નહીં વડાપ્રધાન મોદીએ તમામ આંદોલિત ખેડૂતોને પોતાનું આંદોલન સમાપ્ત કરી દેવાની અપીલ કરી હતી. જેવી રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તામને ચોંકાવતા અચાનક ખેડૂતોનું આંદોલન એક વર્ષ પૂરું થયાના અવસર પર ત્રણેય કૃષિ કાયદા પરત લેવાનું એલાન કર્યું તે બાદ ખેડૂત નેતાઓમાં થોડી રાહત છે. જા કે ખેડૂતો હજી પણ એમએસપીની ગેરેન્ટીની માંગ કરી રહ્યા છે.
જ્યારે વડાપ્રધાનના એલાન બાદ સંયુક્ત કિસાન મોર્ચાએ એલાન કર્યું કે તેઓ આજે છોટૂ રામ જયંતીના અવસર પર ખેડૂત મજૂર સંઘર્ષ દિવસ મનાવશે, એટલું જ નહીં ૨૫ નવેમ્બરે ખેડૂત આંદોલનને એક વર્ષ પૂરું થવાના અવસર પર આયોજિત મહા ધરણામાં પણ સામેલ થશે. ભારતીય કિસાન યૂનિયનના નેતા રાકેશ ટિકૈતે પણ ૨૯ નવેમ્બરે ૬૦ ટ્રેક્ટર લઈ સંસદ તરફ કૂચ કરવાનું એલાન કર્યું છે. તેમણે કહ્યું કે ન્યૂનતમ સમર્થન મૂલ્યની માંગને લઈ અમે ટ્રેક્ટર માર્ચ કરશું અને સરકાર પર એમએસપીની ગેરેન્ટી આપવા દબાણ કરશું. આની સાથે જ રાકેશ ટિકૈતે સ્પષ્ટ કર્યું કે સરકારે જે રૂટ ખોલ્યા છે તે રૂટ પર જ આ ટ્રેક્ટર માર્ચ નીકળશે.