બહાર પાડવામાં આવેલા આંકડા અનુસાર ઓગસ્ટ મહિનામાં કેનેડાની બેરોજગારીનો દર વધીને ૬.૬ ટકા થઈ ગયો હતો જે ૨૦૨૦ અને ૨૦૨૧ના કોરોના રોગચાળાના વર્ષોને બાદ કરતાં સાત વર્ષ કરતાં પણ વધારે સમયમાં સૌથી ઊંચો હતો. સ્ટેટિસ્તીક્સ કેનેડાએ જણાવ્યું હતું કે ઓગસ્ટમાં અર્થતંત્રે ૨૨,૧૦૦ નોકરીઓ પૂરી પાડી હતી જે સમગ્રપણે પાર્ટ-ટાઇમ રોજગારથી પ્રેરિત હતી.
દરમિયાન સર્વેક્ષણ કરાયેલાં વિશ્લેષકોએ ઓગસ્ટમાં ૬.૫ ટકા બેરોજગારીના દરની અને ૨૫,૦૦૦ નવી નોકરીઓ ઊભી થવાનું અનુમાન લગાવ્યું હતું. નોંધનીય છે કે કેનેડાનું અર્થતંત્ર ઊંચા વ્યાજના દરોના દબાણ હેઠળ ગતિ ગુમાવી રહ્યું હતું અને વર્ષની શરૂઆતમાં જાવામાં આવેલી મોટાભાગની વૃદ્ધિ મુખ્ય રૂપથી વસતીમાં થયેલાં વધારાના કારણે હતી. પણ જ્યારે જીડીપી વૃદ્ધિ વસતીમાં વધારાની પાછળ રહી ગઈ છે ત્યારે તેને કારણે બેરોજગારીમાં પણ વધારો થયો છે. તેને પગલે મંદીની આશંકામાં પણ વધારો થયો છે. બેન્ક ઓફ કેનેડાએ આ સપ્તાહે જ પોતાના મુખ્ય નીતિ દરમાં ૨૫ બેઝિઝ પોઇન્ટનો ઘટાડો કર્યો હતો અને તેને ૪.૨૫ ટકા પર લાવી દીધો હતો.
નોંધનીય છે કે જાન્યુઆરી ૨૦૨૩થી કેનેડામાં બેરોજગારીના દરમાં ૧.૬ ટકાની વૃદ્ધિ નોંધાઈ છે, જે આંકડાને કેટલાક અર્થશાસ્ત્રઓએ ચિંતાજનક ગણાવ્યો છે અને આર્થિક વિકાસને વેગ આપવા માટે કેનેડાની મધ્યસ્થ બેન્કને વ્યાજના દરોમાં વધુ ઘટાડો કરવાની ભલામણ કરી છે. સ્ટેટ્સકેને જણાવ્યું હતું કે બેરોજગારીના દરને યુવાનોની વય સાથે સરખાવીને જાવામાં આવે તો પાછલા વર્ષની તુલનાએ ૧૫થી ૨૪ વર્ષના યુવાનોમાં બેરોજગારીનું પ્રમાણ સૌથી વધારે નોંધાયું છે અને આ વર્ષે ગરમીની સિઝનમાં બેરોજગારીનો દર પાછલા આઠ વર્ષમાં સૌથી ઊંચો રહ્યો છે.