અમરેલી જિલ્લામાં જૂની અદાવતમાં જાનથી મારી નાંખવાની ધમકી આપવાના બનાવ વધી રહ્યા છે. ચલાલાના કેનાલપરા ગામે રહેતા કડવાભાઈ નાજભાઈ માંજુસા (ઉ.વ.૬૦)એ તેમના જ ગામના અનિરૂધ્ધભાઇ દિનેશભાઇ ધાધલ , નરેન્દ્રભાઇ દિનેશભાઇ ધાધલ, દિનેશભાઇ ભીખુભાઇ ધાધલ તથા ગઢીયા ગામના જયદીપભાઈ બાવકુભાઈ વાળા સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેમનો દિકરો તથા મિત્ર બાઇક લઇને આવતા હતા ત્યારે અનિરુદ્ધભાઈ તથા જયદીપભાઈએ બાઇક ઉભું રખાવ્યું હતું અને અગાઉના મનદુઃખને લઈ ગાળો આપી, લાકડીના ઘા મારી નાસી ગયા હતા. જે અંગે ઠપકો આપવા જતાં આરોપીઓએ એકસંપ કરી તેમને માથામાં લાકડી તથા તલવારના બે ઘા મારીને લોહીલુહાણ કર્યા હતા. ઉપરાંત તેમને તથા સાહેદને ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જે બાદ અનિરૂધ્ધભાઇ દિનેશભાઇ ધાધલ (ઉ.વ.૨૧)એ કલ્પેશભાઇ ઉર્ફે ઘુઘો કડવાભાઇ માંજુસા, મહેશભાઇ કડવાભાઇ માંજુસા, કડવાભાઇ નાજાભાઇ માંજુસા તથા ધનજીભાઇ નાજાભાઇ માંજુસાએ અગાઉના મનદુઃખમાં ગાળો આપીને ધારીયા-કુહાડા વડે હુમલો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી હતી. ચલાલા પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર જે.એમ.કૈલા વધુ તપાસ કરી રહ્યા છે.