એ.આર.એલ),દહેરાદુન,તા.૧૦
ઉત્તરાખંડમાં કેદારનાથ હાઈવે તરીકે પ્રખ્યાત સોનપ્રયાગ-મુંકટિયા (રુદ્રપ્રયાગ) વચ્ચે ભૂસ્ખલન થયું છે. આ અકસ્માતમાં ૫ મુસાફરોના મોત થયા છે અને ૨ ઘાયલ થયા છે. જા કે, અન્ય ઘણા મુસાફરો કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા છે જેમના માટે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સ્થાનિક વહીવટીતંત્ર,એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો રાહત અને બચાવ કાર્યમાં લાગેલી છે.
માહિતી મળતાની સાથે જ એસડીઆરએફ,એનડીઆરએફ અને સેક્ટર મેજિસ્ટ્રેટ સોનપ્રયાગને તાત્કાલિક બચાવ માટે રવાના કરવામાં આવ્યા હતા. આ દરમિયાન રેસ્ક્યુ ટીમે ઘટનાસ્થળે પહોંચીને ઝડપી ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં ૫ મૃતકો અને ૨ ઘાયલોને બહાર કાઢવામાં આવ્યા હતા. ઘાયલોને તાત્કાલિક સારવાર માટે એમ્બ્યુલન્સ મારફતે સોનપ્રયાગ મોકલવામાં આવ્યા છે.
મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ સોનપ્રયાગ-મુંકટિયા વચ્ચે કાટમાળ પડી જવાને કારણે થયેલા અકસ્માતના દુઃખદ સમાચાર મળતાં શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે ખૂબ જ દુઃખદ માહિતી પ્રાપ્ત થઈ છે કે સોનપ્રયાગ-મુંકટિયા (રુદ્રપ્રયાગ) વચ્ચે કાટમાળને કારણે કેટલાક મુસાફરો દટાયા છે. હું પોતે સંબંધિત અધિકારીઓના સંપર્કમાં છું અને બચાવ કામગીરી પર નજર રાખી રહ્યો છું. હું મુસાફરોની સુરક્ષા માટે બાબા કેદારને પ્રાર્થના કરું છું. સીએમ ધામીએ કહ્યું કે મારી સંવેદના શોકગ્રસ્ત પરિવાર સાથે છે. બચાવ કાર્ય હજુ પણ ચાલુ છે અને સરકાર દ્વારા શક્ય તમામ મદદ પૂરી પાડવામાં આવી રહી છે.ઉત્તરાખંડમાં કેદારનાથ રાષ્ટય ધોરીમાર્ગ પર સોનપ્રયાગ અને ગૌરીકુંડ વચ્ચે મુંકટિયા નજીક ભૂસ્ખલન બાદ સૈનિકોની ટીમ દ્વારા બચાવ કામગીરી ચાલી રહી છે. ભૂસ્ખલનની ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે.