અંતે અરવિંદ કેજરીવાલ જેલભેગા થઈ ગયા. દિલ્હી સરકારે બનાવેલી લિકર એક્સાઈઝ પોલિસીમાં ભ્રષ્ટાચાર બદલ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી લીધી. આ કેસમાં દિલ્હીના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયા અને રાજ્યસભાના સભ્ય સંજયસિંહ પહેલેથી જેલમાં છે. ઇડીએ અરવિંદ કેજરીવાલને આ કૌભાંડના સૂત્રધાર ગણાવ્યા છે. ઇડીના મતે, કેજરીવાલ દિલ્હીની લિકર એક્સાઈઝ પોલિસી ઘડવામાં સીધી રીતે સામેલ છે અને તેમણે સાઉથની લોબી પાસેથી ૧૦૦ કરોડ રૂપિયા લીધા હોવાના પુરાવા છે. કેજરીવાલ મુખ્યમંત્રીપદે હોવા છતાં જેલભેગા થનારા પહેલા મુખ્યમંત્રી છે પણ છેલ્લા નહીં હોય. કેજરીવાલની જેમ બીજા બે વર્તમાન મુખ્યમંત્રી પિનારાયી વિજયન અને વાય.એસ. જગન મોહન રેડ્ડી પર પણ હોદ્દા પર હોય ત્યારે જ ધરપકડ થાય તેની તલવાર તોળાઈ રહી છે. અલબત્ત બંને સામેના કેસો જૂનો છે. કેરળના મુખ્યમંત્રી વિજયન ભૂતકાળમાં વીજળી મંત્રી હતા ત્યારે કેનેડિયન ફર્મ એસએનસી લેવલીનને અપાયેલા કોન્ટ્રાક્ટમાં કથિત ભ્રષ્ટાચાર અંગે પીએમએલએ હેઠળ તપાસ ચાલી રહી છે. ઇડુક્કીમાં હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટના આધુનિકીકરણ માટે આ કોન્ટ્રાક્ટ અપાયેલો. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાય.એસ. જગન મોહન રેડ્ડી સામે કોંગ્રેસના શાસન વખતથી અનેક કેસ ચાલી રહ્યા છે. ૨૦૧૫માં ઈડીએ નવા બનાવેલા પીએમએલએ કાયદા હેઠળ જગનની માલિકીની ભારતી સિમેન્ટ્‌સના ફાયનાન્સને લગતો કેસ નોંધ્યો પછી જગન પણ જેલભેગા થઈ શકે.

કેજરીવાલને સજા થશે ? ભારતમાં ભ્રષ્ટાચારના કેસમાં જેલભેગા કરાયેલા ભૂતપૂર્વ મુખ્યમંત્રીઓની યાદી બહુ લાંબી છે પણ મુખ્યમંત્રીપદે હોય ત્યારે કરેલા ભ્રષ્ટાચાર બદલ સજા થઈ હોય એવા ભૂતપૂર્વ મુખ્યમંત્રીઓની યાદી બહુ નાની છે. બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રીઓ લાલુ પ્રસાદ યાદવ, તમિલનાડુના ભૂતપૂર્વ મુખ્યમંત્રી જયલલિતા, ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી મધુ કોડા અને હરિયાણાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઓમપ્રકાશ ચૌટાલા એ ચાર ભૂતપૂર્વ મુખ્યમંત્રી આ યાદીમાં આવે છે. બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી જગન્નાથ મિશ્રાને પણ સજા થઈ પણ જે કૌભાંડ માટે સજા થઈ એ કૌભાંડ આચરાયું ત્યારે મિશ્રા ગાદી પર નહોતા. ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શિબુ સોરેનને પણ કોર્ટે દોષિત ઠેરવીને સજા ફટકારેલી પણ આ ગુનો બન્યો ત્યારે સોરેન મુખ્યમંત્રી નહોતા. ૧૯૭૫માં શિબુએ બહારનાં લોકોને આદિવાસી વિસ્તારોમાંથી હાંકી કાઢવા ચળવળ શરૂ કરી ત્યારે ૩ જાન્યુઆરી ૧૯૭૫ના રોજ ચિરુદીહમાં ૯ મુસ્લિમો સહિત ૧૦ લોકોની હત્યા કરાયેલી ને શિબુ તેમાં મુખ્ય આરોપી હતા. ૨૦૦૪માં આ કેસ ખૂલ્યો ત્યારે શિબુ સોરેન કેન્દ્રની કોંગ્રેસ સરકારમાં મંત્રી હતા. કોર્ટે બિનજામીનપાત્ર વોરંટ કાઢતાં શિબુએ ભાગી જવું પડેલું. પોલીસે તેમને પકડ્‌યા પછી મહિનો જેલમાં પણ રહેવું પડેલું પણ પછી છૂટી ગયેલા. શિબુ સોરેન ૧૯૯૩ના જેએમએમ લાંચ કેસ સાથે સંકળાયેલા શશિકાન્ત ઝા હત્યા કેસમાં પણ દોષિત ઠરેલા. નરસિંહરાવ સરકારની તરફેણમાં મતદાન કરવા બદલ સોરેને લાખોની લાંચ લીધેલી. તેમનો પર્સનલ સેક્રેટરી શશિકાન્ત ઝા આ વિશે જાણતો હતો. તેણે પોતાનો હિસ્સો માંગતાં તેને પતાવી દેવાયેલો. આ કેસમાં શિબુ સોરેનને આજીવન કેદની સજા થયેલી. ભારતના ઈતિહાસમાં કેન્દ્રીય મંત્રીને ખૂન કેસમાં સજા થઈ હોય એવું પહેલી વાર બનેલું. શિબુ સોરેન આ કેસમાં પણ ઉપલી અદાલતમાં નિર્દોષ છૂટેલા. જયલલિતા ૧૯૯૧થી ૧૯૯૬ દરમિયાન તમિલનાડુમાં મુખ્યમંત્રી હતાં ત્યારે ભ્રષ્ટાચાર કરવામાં કોઈ કસર નહોતી છોડી. આ કેસમાં ૧૭ વરસે ૨૦૧૩માં જયલલિતા અને શશિકલા સહિતની ચંડાળ ચોકડીને ૬૭ કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવા બદલ દોષિત ઠેરવીને સજા ફટકારી હતી. જયલલિતાને ૧૦૦ કરોડ રૂપિયાનો દંડ પણ ફટકારાયેલો કે જે વસૂલવા માટે તમિલનાડુ સરકારે જયલલિતાની સંપત્તિ જપ્ત કરી હતી. બિહારના મુખ્યમંત્રી તરીકે ઘાસચારા કૌભાંડ આચરવાના કેસમાં લાલુ યાદવને ચાર વર્ષની સજા થઈ ચૂકી છે. તેના કારણે લાલુ ચૂંટણી લડવા માટે પણ ગેરલાયક ઠરી ચૂક્યા છે. લાલુ યાદવ સામેના કેસો હજુ પત્યા નથી એ જોતાં લાલુને હજુ સજા થઈ શકે છે. લાલુ સામે સીબીઆઈએ ચાર્જશીટ દાખલ કરી પછી લાલુ યાદવે તેમના પત્ની રાબડી દેવીને મુખ્યમંત્રી બનાવીને નવો ચિલો ચાતરેલો.
૨૦૦૭માં મધુ કોડા ઝારખંડના મુખ્યમંત્રી હતા ત્યારે વિનિ આયર્ન નામની કંપનીને કોલસાના બ્લોકની ફાળવણીમાં કરોડોની લાંચ લીધી એ માટે ત્રણ વર્ષની કેદની સજા થયેલી. કોડાએ કોલસાના બ્લોકની ફાળવણીમાં જેનું નામ નહોતું એ વિનિ આયર્નનું નામ કેન્દ્રીય કોલસા સચિવ એચ.સી. ગુપ્તાને સાધીને ઘૂસાડી દીધેલું. રૂપિયાનો વ્યવહાર થયો પછી જે કંપનીનું નામ જ લિસ્ટમાં નહોતું એ કંપનીને રઝારા નોર્થ કોલ બ્લોક ફાળવી દીધો હતો. આ ભાંડો ફૂટ્યો તેમાં જેલભેગા થયેલા કોડા પણ ચૂંટણી લડી શકતા નથી. હરિયાણાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઓમપ્રકાશ ચૌટાલાને શિક્ષકોની ભરતીમાં કૌભાંડ બદલ ૧૦ વર્ષની સજા થઈ હતી જ્યારે ભ્રષ્ટાચાર કરીને જંગી સંપત્તિ એકઠી કરવાના કેસમાં ૪ વર્ષની સજા થઈ હતી. ચૌટાલા આ સજા ભોગવીને હમણાં જ જેલમાંથી બહાર આવ્યા છે. કેજરીવાલનું નામ આ યાદીમાં ઉમેરાશે કે નહીં એ સમય જ કહેશે.

ભૂતકાળમાં કેજરીવાલની જેમ ઘણા ભૂતપૂર્વ મુખ્યમંત્રી જેલની હવા ખાઈ આવ્યા છે. અરવિંદ કેજરીવાલની ધરપકડ પહેલાં ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનની પણ ધરપકડ કરવામાં આવી હતી. ૩૧ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ સોરેને ઝારખંડના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું પછી તરત જ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે જમીન કૌભાંડમાં હેમંત સોરેનની ધરપકડ કરી હતી. સોરેન પણ અત્યારે જેલની હવા જ ખાઈ રહ્યા છે. સોરેન પહેલાં આંધ્ર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ પણ જેલની હવા ખાઈ આવ્યા છે. આંધ્રની જગન મોહન રેડ્ડી સરકારે કરેલા ૩૭૧ કરોડ રૂપિયાના સ્કીમ ડેલવપમેન્ટ કૌભાંડમાં એન્ટિ કરપ્શન બ્યુરોએ નાયડુને જેલમાં નાખ્યા પછી થોડા દિવસ પહેલાં જ નાયડુ છૂટ્યા છે. આ સિવાય બીએસ યેદિયુરપ્પા કર્ણાટકના સીએમ હતા ત્યારે ૨૦૧૧માં કર્ણાટકના લોકાયુક્તના રિપોર્ટમાં યેદિયુરપ્પા સામે ગેરકાયદેસર રીતે ખનનમાં સંડોવણીનો આક્ષેપ કરાતાં યેદિયુરપ્પાએ રાજીનામું આપવું પડેલું. યેદિયુરપ્પા મુખ્યમંત્રીપદ છોડવા તૈયાર ન હતા તેથી ભાજપ હાઈકમાન્ડે તેમને હટાવવા પડેલા. યેદિયુરપ્પાએ નારાજ થઈને મુખ્યમંત્રીપદ છોડ્‌યું પછી ધરપકડ કરવામાં આવી હતી. તમિલનાડુના ભૂતપૂર્વ મુખ્યમંત્રી એમ. કરૂણાનિધિની પણ ૨૦૦૧માં ચેન્નાઈમાં મિનિ ફ્‌લાયઓવર્સના નિર્માણમાં ભ્રષ્ટાચાર બદલ ધરપકડ કરાયેલી. તમિલનાડુના વર્તમાન મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિન ત્યારે ચેન્નાઈના મેયર હતા. તેમની પણ ધરપકડ કરાયેલી પણ કરૂણાનિધિ સત્તામાં આવ્યા પછી ૨૦૦૭માં આ કેસ પડતો મૂકાયેલો.

કેજરીવાલ પછી કોનો વારો આવશે ? વિપક્ષના દિગ્ગજ નેતા હોય એવા સંખ્યાબંધ ભૂતપૂર્વ મુખ્યમંત્રીઓ સામે ભ્રષ્ટાચારના કેસ ચાલી રહ્યા છે. આ કેસો કેન્દ્રીય એજન્સીઓએ નોંધ્યા છે એ કહેવાની જરૂર નથી. આ પૈકી કોઈ પણ ભૂતપૂર્વ મુખ્યમંત્રી જેલની હવા ખાતો થઈ શકે છે. આ યાદીમાં શરદ પવારથી માંડીને શંકરસિંહ વાઘેલા સુધીના ભૂતપૂર્વ મુખ્યમંત્રીઓ છે. ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા સામે કેન્દ્રીય કાપડ મંત્રી તરીકે મુંબઈમાં કિંમતી જમીન વેચીને સરકારી તિજોરીને રૂ. ૭૦૯ કરોડનું નુકસાન પહોંચાડવાના આક્ષેપની તપાસ ચાલે છે. આ કેસમાં ઈડી વાઘેલાને પકડી શકે છે. મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શરદ પવાર અને તેમનાં પુત્રી સુપ્રિયા સૂલે સામે મહારાષ્ટ્ર રાજ્ય સહકારી બેંકની કામગીરીમાં ભ્રષ્ટાચારનો કેસ છે પણ અજીત ભાજપ સાથે છે તેથી હમણાં તપાસ સ્થગિત છે. મહારાષ્ટ્રના બીજા ભૂતપૂર્વ મુખ્યમંત્રી અશોકરાવ ચવાણ પણ આદર્શ હાઉસિંગ સ્કેમમાં આરોપી છે. છત્તીસગઢના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ સામે કોલ ટ્રાન્સપોર્ટેશન, લિકર શોપ કોન્ટ્રાક્ટ્‌સ અને મહાદેવ ગેમિંગ એપમાં મની લોન્ડરિંગના ત્રણ કેસમાં તપાસ ચાલી રહી છે. કોંગ્રેસના જ બીજા દિગ્ગજ નેતા એવા રાજસ્થાનના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત, ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટ અને કોંગ્રેસના સાંસદ કાર્તિ ચિદમ્બરમ સામે ‘રાજસ્થાન એમ્બ્યુલન્સ કૌભાંડ’ કેસમાં તપાસ ચાલી રહી છે. બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવ તો સજા પણ ભોગવી ચૂક્યા છે પણ તેમનાં પત્ની અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવી આઈઆરસીટીસી કૌભાંડ અને લેન્ડ ફોર જોબના કેસમાં મુખ્ય આરોપી છે. હરિયાણાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ભૂપિન્દર સિંહ હુડા નેશનલ હેરાલ્ડ કેસમાં ફસાયેલા છે. હુડ્ડા સામે માનેસર જમીન સોદા અને પંચકુલામાં એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ (છત્નન્) ને જમીન ફાળવણીના કેસમાં ઈડી તપાસ કરી રહી છે.
સમાજવાદી પાર્ટીના વડા અને ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ સામે ગોમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ તેમજ માઇનિંગ કોન્ટ્રાક્ટમાં ભ્રષ્ટાચાર બદલ સીબીઆઈ અને ઈડીની તપાસ ચાલી રહી છે. ઉત્તર પ્રદેશના બીજાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી માયાવતી સામે પણ આગ્રા કોરિડોર પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચાર બદલ તપાસ ચાલી રહી છે. જમ્મુ અને કાશ્મીર ક્રિકેટ એસોસિયેશન (ત્નદ્ભઝ્રછ) ને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (મ્ઝ્રઝ્રૈં) દ્વારા અપાયેલી ગ્રાન્ટમાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લા સામે તપાસ ચાલી રહી છે. તેમના પુત્ર અને જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા સામે જમ્મુ અને કાશ્મીર બેંકમાં ભ્રષ્ટાચાર તથા ડિરેક્ટરોની નિમણૂક બદલ મની લોન્ડરિંગનો કેસ નોંધાયો છે. જમ્મુ અને કાશ્મીરનાં બીજાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્‌તી સામે પણ જમ્મુ અને કાશ્મીર બેંક કેસમાં ઈડીની તપાસ ચાલી રહી છે. અરુણાચલ પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી નબામ તુકી અને મણિપુરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઓકરામ ઈબોબા સિંહ પણ ઈડીના રડારમાં છે. સિંહ સામે મણિપુર ડેવલપમેન્ટ સોસાયટીમાં ૩૩૨ કરોડ રૂપિયાની ગેરરીતિ બદલ મની લોન્ડરિંગનો કેસ કર્યો છે.
આ પૈકી હવે ગમે તેનો વારો આવી શકે છે.