ગુજરાતના રાજકારણ માટે આવતીકાલ (૧૭ ઓક્ટોબર ૨૦૨૫)નો દિવસ નવી દિશા આપનારો રહેશે. નવા મંત્રીમંડળમાં કોને સ્થાન મળશે અને કોનું પત્તું કપાશે તેનું ચિત્ર જાહેરાત સાથે જ સ્પષ્ટ થશે.
ગાંધીનગર ખાતે મંત્રીમંડળમાં ફેરફારની તૈયારીઓ પૂરજાશમાં ચાલી રહી છે. આવતીકાલે એટલે કે શુક્રવારના રોજ ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે શપથવિધિ સમારોહ યોજાવાનો છે, ત્યારે નવા મંત્રીમંડળમાં કેટલાક ધારાસભ્યોના નામ હોટ ફેવરિટ છે.સૂત્રો દ્વારા મળતી વિગતો મુજબ નવા મંત્રીમંડળમાં સૌરાષ્ટ્ર ઉપર ખાસ ભાર મુકાઈ શકે છે. હાલમાં સૌરાષ્ટ્રમાં ભાનુબેન બાબરીયા અને મૂળુ બેરાના નામ કપાઈ શકે છે તો ભાનુબેન બાબરિયાની જગ્યાએ રીવાબા જાડેજાને સ્થાન મળી શકે છે. મૂળુ બેરાના બદલે ઉદય કાનગડ અથવા ત્રિકમ છાંગાને સ્થાન મળી શકે છે.
કુંવરજી બાવળિયાની પાસે ૨ ખાતા હોવાથી માત્ર એક જ ખાતું પાણી પુરવઠા જ રહી શકે છે. અન્ન અને નાગરિક પુરવઠામાં જીતુ વાઘાણી અથવા મહેશ કશવાલાની નિમણૂક થઈ શકે છે. ડે.ઝ્રસ્ અથવા સહકારીતા મંત્રી તરીકે જયેશ રાદડિયાએ સૌરાષ્ટ્ર માંથી મોટી જવાબદારી મળી શકે છે.
મધ્ય ગુજરાતના વડોદરા, પંચમહાલમાંથી પણ પસંદગી થઈ શકે છે. વડોદરાના ચાર ધારાસભ્યોના નામ હોટ ફેવરિટ હોય તેવું કહેવાય રહ્યું છે. વડોદરામાંથી રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાળુ શુક્લા, સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયા, અકોટાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈનુ નામ ચર્ચામાં કેન્દ્રમાં છે. શહેર વિધાનસભા મનિશાબેન વકીલ તેમજ મોરવા હડફના ધારાસભ્ય નિમિષા સુથારને પણ મંત્રી મંડળમાં સ્થાન મળી શકે છે.
જા દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો હાલ ૫ મંત્રીઓ સરકારમાં છે. મંત્રી પ્રફુલ પાનસેરીયા રાજીનામું આપે તો વિનુ મોરડિયાને ચાન્સ મળી શકે છે. પ્રફુલ પાનસેરીયાને પ્રમોશન રૂપે કેબિનેટ મંત્રીમાં મંડળમાં સમાવેશ કરવાની ચર્ચા થઈ રહી છે. મુકેશ પટેલનું રાજીનામું નિશ્ચિત મનાય રહ્યું છે તો મંત્રીમંડળમાં સંગીતા પાટીલ અથવા સંદીપ દેસાઈને ચાન્સ મળી શકે છે. હર્ષ સંઘવીને કેબિનેટ કક્ષા અથવા ડેપ્યુટી સીએમ બનાવાય તેવી પણ ચર્ચા ચાલી રહી છે, તો નાણામંત્રી કનુભાઈ દેસાઈનું રાજીનામું નિશ્ચિત મનાઈ રહ્યું છે.
સંભવિત મંત્રી મંડળ આ મુજબ હોઈ શકે છેઃભૂપેન્દ્ર પટેલ,હર્ષ સંઘવી,ઋષિકેશ પટેલ,બળવંતસિંહ રાજપૂત,પ્રફુલ પાનસેરિયા,અર્જુન મોઢવાડીયા,જયેશ રાદડિયા,સંજય કોરડીયા,અલ્પેશ ઠાકોર,રિવાબા જાડેજા,મોહન ડોડીયા,અમિત ઠાકર,સંદીપ દેસાઈ,સંગીતા પાટીલ, દર્શનાબેન વાઘેલા,પ્રવીણ માળી,કાળુભાઈ રાઠોડનો સમાવેશ થાય છે
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ નવા મંત્રીમંડળની શપથવિધિ યોજાયા બાદ જ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં નવી કેબિનેટની બેઠક મળી શકે છે. આ ઉપરાંત કેબિનેટ બઠકમાં જ મંત્રીઓને ખાતાની ફાળવણી કરાઈ શકે છે. ખાતાની ફાળવણી બાદ મોટાભાગના નવા મંત્રીઓ ધનતેરસના શુભ દિવસે જ પોતપોતાના વિભાગોનો ચાર્જ સંભાળી લે તેવી શક્્યતા છે.









































