આમ આદમી પાર્ટીના વડા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના એક સમયના સાથી કુમાર વિશ્વાસે આ ધડાકો કરીને ખળભળાટ મચાવી દીધો. કુમારનો દાવો છે કે, કેજરીવાલે પોતાને એક વાર કહેલું કે,પોતે કાં પંજાબના મુખ્યમંત્રી બનશે કાં ખાલિસ્તાનના પહેલા વડાપ્રધાન બનશે.
કુમાર વિશ્વાસના આ દાવાને પગલે ભાજપ સહિતના પક્ષો કેજરીવાલ પર તૂટી પડ્યા તો આપ કેજરીવાલના બચાવમાં ઉતરી પડ્યો. આ વિવાદ વચ્ચે આતંકી સંગઠન શીખ્સ ફોર જસ્ટિસ સાથે કેજરીવાલની સાંઠગાંઠના આક્ષેપ થતાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તપાસના આદેશ આપતાં આ મુદ્દે વિવાદ વધ્યો છે.
પંજાબમાં રવિવારે મતદાન થયું તેના ત્રણ દિવસ પહેલાં જ કુમાર વિશ્વાસે આ ધડાકો કર્યો તેના કારણે તેના ઈરાદા વિશે પણ શંકા સેવાઈ રહી છે.પંજાબમાં આ વખતે આપ સરકાર રચશે એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.
કુમારે કેજરીવાલને દેશદ્રોહી ગણાવીને મતદારોને કેજરીવાલની વિરૂધ્ધ કરી દેવા આ ધડાકો કર્યો હોય એવી શક્યતા પણ વ્યક્ત થઈ રહી છે. આ ઘડાકાની ખરેખર મતદારો પર કેટલી અસર પડશે તેની ખબર ૧૦ માર્ચે પરિણામો આવશે ત્યારે પડશે પણ કુમારે કેજરીવાલે પોતાને આ વાત કહેલી તેના સમર્થનમાં કોઈ પુરાવો રજૂ કર્યો નથી તેથી તેની વાત પર કેટલો ભરોસો કરવો એ પણ સવાલ છે. કુમારે કેજરીવાલને જૂઠ્ઠાઓના સરદાર પણ ગણાવ્યા છે. સામે કેજરીવાલે પોતે કરેલાં વિકાસનાં કામોની યાદ અપાવીને કટાક્ષ કર્યો છે કે,પોતે દુનિયામાં કદાચ સૌથી મીઠડા આતંકવાદી હશે કે જેણે લોકોની હત્યા કરવાના બદલે મોટી સંખ્યામાં સ્કૂલો, હોસ્પિટલો વગેરે લોકો માટે ઉપયોગી બાંધકામ કર્યાં.
કેજરીવાલ અને કુમારમાંથી કોણ સાચું એ ખબર નથી પણ આ વિવાદે ખાલિસ્તાન મુદ્દાને ફરી ચર્ચામાં લાવી દીધો છે.
‘ખાલિસ્તાન’ શું છે ?
શીખોનો એક વર્ગ શીખો માટે અલગ રાષ્ટ્રની માંગણી વરસોથી કરે છે. આ રાષ્ટ્રને ‘ખાલિસ્તાન’ નામ અપાયું છે. ભારતમાં અંગ્રેજોનું શાસન હતું ત્યારે મુસ્લિમ લીગે ઈસ્લામને પાળનારાં લોકો એટલે કે મુસલમાનો માટે અલગ પાકિસ્તાનની માંગ કરી હતી. ૧૯૩૦ના દાયકામાં આ માંગ પ્રબળ બની તેથી શીખોમાં પણ શીખ ધર્મના અનુયાયીઓ માટે અલગ રાષ્ટ્રનો વિચાર વહેતો થયો. ડો. વીરસિંહ ભટ્ટી આ વિચારના પ્રણેતા હતા. ૧૯૪૦માં ડો. વીરસિંહ ભટ્ટીએ પહેલી વાર ખાલિસ્તાનનો વિચાર વહેતો મૂક્યો. કેટલાક શીખોએ આ વિચારને વધાવી લેતાં ખાલિસ્તાનની માંગ શરૂ થઈ.
આ માંગ અહિંસક હતી અને તેના સમર્થકોની સંખ્યા બહુ મોટી નહોતી તેથી તેનો બહુ પ્રભાવ નહોતો. દેશ આઝાદ થયો ત્યારે પંજાબના બે ભાગ થયા હતા.પાકિસ્તાનના પંજાબમાં રહેતા શીખોએ પંજાબ છોડવું પડ્યું હતું. એ વખતે તેમના પર થયેલા અત્યાચારોના કારણે શીખોમાં આક્રોશ હતો. આ આક્રોશને કારણે ખાલિસ્તાનના તરફદારોને તક મળી ગઈ.શીખો માટે પણ અલગ રાષ્ટ્ર હોય તો આ અત્યાચારો સહન ના કરવા પડ્યા હોત એવો પ્રચાર તેમણે કરવા માંડ્યો. આ પ્રચારે કામ કરવા માંડ્યું અને ખાલિસ્તાનની માંગ બુલંદ બની એટલે જવાહરલાલ નહેરૂએ શીખોને ઠંડાપાડવા માટે શીખોના સ્વાયત્ત રાજ્યનું વચન આપી દીધું.
શીખો અને હિંદુઓ વચ્ચે કોઈ ભેદભાવ કે દુશ્મનાવટ નથી. આ કારણે શીખો માટે અલગ રાષ્ટ્રના બદલે ભારતમાં જ શીખોને સ્વાયત્ત રાજ્ય મળે તો શીખો રાજી હતા તેથી ‘ખાલિસ્તાન’ની માંગ ઠંડી પડી ગઈ.
કમનસીબે નહેરૂએ એ વચન ના પાળ્યું. તેના કારણે ૧૯૬૦ના દાયકામાં ફરી ખાલિસ્તાનની માંગ પ્રબળ બની. ૧૯૬૪માં નહેરૂના નિધન અને પાકિસ્તાન સામેના યુધ્ધ પછી ૧૯૬૬માં લાલ બહાદુર શાસ્ત્રીના નિધન પછી ઈન્દિરા ગાંધી વડાપ્રધાન બન્યાં ત્યારે તેમણે પોતાની લોકપ્રિયતા વધારવા કેટલાંક પગલાં તત્કાલ લીધાં હતાં. આ પૈકી એક પગલું શીખો માટે અલગ રાજ્યનું વચન પૂરું કરવાનું હતું.
ઈન્દિરા ગાંધીએ ૧૯૬૬માં પંજાબના ત્રણ ભાગ કરીને શીખો માટે અલગ પંજાબ બનાવી દીધું.પંજાબના હિન્દુઓના પ્રદેશોને અલગ કરીને હરિયાણાની રચના કરી.પંજાબના હિંદુઓના કેટલાક પ્રદેશોને હિમાચલ પ્રદેશમાં ભેળવી દીધાં.ઈન્દિરાએ પણ પંજાબને સ્વાયત્તતા ના આપી પણ શીખોને અલગ રાજ્ય મળતાં તે ખુશ હતા.
અકાલી દળે અલગ ખાલિસ્તાનની માંગ ફરી ભડકાવી.
પંજાબમાં ૧૯૭૨માં થયેલી ચૂંટણી વખતે અલગ પંજાબની રચનાથી શીખો ખુશ હતા તેથી કોંગ્રેસની ભવ્ય જીત થઈ અને જ્ઞાની જૈલસિંહ મુખ્યમંત્રી બન્યા. આ ચૂંટણીમાં શિરોમણી અકાલી દળની કારમી હાર થઈ હતી તેથી તેમણે રાજકીય ફાયદા માટે અલગ ખાલિસ્તાનનો મુદ્દો ભડકાવ્યો. અકાલી દળમાં એ વખતે પ્રકાશસિંહ બાદલ અને સુરજીતસિંહ બરનાલા બે ટોચના નેતા હતા.
અનુસંધાન પાના નં.૭ sanjogpurti@gmail.com
બ્રેકીંગ પોઇન્ટ
બાદલ-બરનાલાએ ૧૯૭૩માં પવિત્ર સ્થાન આનંદપુર સાહિબ ખાતે પંજાબની સ્વાયત્તતાનો મુદ્દો ઉઠાવ્યો.શીખ ધર્મગુરૂઓએ તેને ટેકો આપતાં પંજાબને શીખ ધર્મના સિધ્ધાંતો પ્રમાણે ચલાવવા માટે વધારે સ્વાયતત્તા આપવાનો ઠરાવ કરાયો.શીખ ધર્મને હિંદુ ધર્મથી અલગ ગણીને અલગ ધર્મની માન્યતા આપવાનો પણ ઠરાવ કરાયો.
બાદલ-બરનાલા એ રીતે હિંદુ અને શીખોને અલગ કરવાની વિચારધારાના પ્રણેતા છે.
શિરોમણી અકાલી દળે પંજાબમાં ફરી પોતાનું રાજકીય વર્ચસ્વ સ્થાપવા માટે આ મુદ્દાને ઉગ્ર બનાવ્યો. અકાલી દળની સાથે બીજા નેતા પણ રાજકીય રોટલો શેકવા કૂદી પડ્યા. જગજીતસિંહ ચૌહાણ નામના નેતાએ પંજાબને સ્વાયતત્તાના બદલે શીખો માટેના અલગ રાષ્ટ્ર ખાલિસ્તાનની જ માંગ શરૂ કરી દીધી. ચૌહાણે વિદેશોમાં ફરીને શીખોને ભડકાવવા માંડ્યા તેથી વિદેશમાં રહેતા શીખો પણ સક્રિય થયા. કેનેડા સહિતના દેશોમાં રહેતા શીખોએ અલગ ખાલિસ્તાનની માંગના સમર્થનમાં ચાલતા આંદોલન માટે નાણાં મોકલવા માંડ્યાં તેનો ઉપયોગ આતંકવાદ ફેલાવવા માટે થતાં પંજાબમાં ખાલિસ્તાની આતંકવાદ શરૂ થયો.
અકાલી દળે ખાલિસ્તાનના મુદ્દાને કારણે પંજાબમાં ફરી લોકપ્રિયતા મેળવવા માંડી તેથી ઈન્દિરાએ અકાલીઓને કાબૂમાં રાખવા જરનૈલસિંહ ભિંડરાનવાલેને ઉભો કર્યો. ભિંડરાનવાલે ઉગ્રવાદી વિચારધારા ધરાવતો યુવા નેતા હતો તેથી તેની મદદથી અકાલી દળને વેતરી નાંખવાની ઈન્દિરાની યોજના હતી પણ ભિંડરાનવાલેએ ૧૯૮૨માં અકાલી દળ સાથે હાથ મિલાવીને ધરમયુધ્ધ મોરચા બનાવતાં ઈન્દિરાની યોજના ઉંધી પડી ગઈ.
ભિંડરાનવાલેએે ખાલિસ્તાની આતંકવાદને ભડકાવ્યો અને પાકિસ્તાને મદદ કરવા માંડી તેથી પંજાબ ૧૯૮૦ના દાયકામાં આતંકવાદની પકડમાં આવી ગયું.
શીખો માટે અતિપવિત્ર ગણાતા અમૃતસરના સુવર્ણ મંદિર પર ગુરૂદ્વારા પ્રબંધક સમિતિનો અંકુશ હતો પણ ભિંડરાનવાલેએ ૧૯૮૨માં અમૃતસરના સુવર્ણ મંદિર પર કબજો કરીને હથિયારો સાથેના માણસો ગોઠવીને કિલ્લેબંધી કરી દીધી.પવિત્ર સુવર્ણ મંદિરમાંથી આતંકવાદી પ્રવૃત્તિઓનું સંચાલન થવા માંડ્યું.
ઈન્દિરાએ ભિંડરાનવાલેને ઠેકાણે પાડી દેવા સુવર્ણ મંદિરમાં લશ્કર મોકલવાનો નિર્ણય લીધો પણ લશ્કરી વડા કૃષ્ણરાવે શીખ સૈનિકોના બળવાના ડરે તૈયારી ના બતાવતાં એ યોજના પડતી મૂકવી પડી. કૃષ્ણરાવની નિવૃત્તિ પછી ઈન્દિરાએ સીનિયોરિટી બાજુ પર મૂકીને જનરલ અરૂણ વૈદ્યને આર્મી ચીફ બનાવી દીધા.
જનરલ વૈદ્યે શીખ આતંકવાદીઓ સામે લશ્કરને ઉતાર્યું. ૧૯૮૩માં પહેલી વાર લશ્કરને સુવર્ણ મંદિરમાં ઉતારાયું. ભિંડરાનવાલે પોતાના સાથીઓ સાથે ભાગી ગયો પણ લશ્કર રવાના થયું કે તરત ફરી કબજો કરી લીધો. ભિંડરાનવાલેને સાફ કરવા અને આતંકવાદીઓને તગેડવાં જૂન ૧૯૮૪માં ફરી સુવર્ણ મંદિરમાં લશ્કર મોકલીને ઓપરેશન બ્લુ સ્ટાર કર્યું એ સાથે જ આતંકવાદ ભડક્યો. આ ઓપરેશનમાં ભિંડરાનવાલે મરાયો પણ હજારો શીખો હથિયારો લઈને આતંકવાદી બની ગયા.
પંજાબમાં ૧૯૮૦ અને ૧૯૯૦ના દાયકામાં આતંકવાદે હજારોનો ભોગ લીધો.પંજાબમાં ૧૯૯૦ના દાયકામાં કોંગ્રેસની સરકાર આવીપછી મુખ્યમંત્રી બિયંતસિંહ અને પોલીસ વડા કેપીએસ ગિલે ગોળી સામે ગોળીની નીતિ અપનાવીને ખાલિસ્તાની આતંકવાદનો સફાયો કર્યો ત્યાં સુધીમાં હજારો લોકો મરાયાં હતાં.પંજાબે લગભગ બે દાયકાની અશાંતિ અને હિંસાના કારણે બહુ મોટું નુકસાન સહન કર્યું પણ
મહેનતી પંજાબીઓએ એક દાયકામાં તો પંજાબની સમૃધ્ધિ પાછી લાવી દીધી. કેજરીવાલ ખાલિસ્તાનના સમર્થક હોય તો એ મુદ્દો ગંભીર કહેવાય. ખાલિસ્તાનનું નિર્માણ ભારતના હિતમાં તો નથી જ અને કોઈપણ દેશપ્રેમી વ્યક્તિ તેનું સમર્થન ના જ કરે કેમ કે ખાલિસ્તાનને સમર્થન આપવાનો મતલબ દેશના ભાગલાને સમર્થન આપવું એવો થાય. કોઈપણ રાષ્ટ્રભક્ત વ્યક્તિ આ રીતે દેશના ભાગલાની તરફેણ ના કરી શકે. કેજરીવાલ એવી વિચારધારાને સમર્થન આપતા હોય તો એ શરમજનક કહેવાય.
ખાલિસ્તાનનો વિચાર વિશ્વના હિતમાં પણ નથી. ધર્મના આધારે કોઈપણ રાષ્ટ્ર બને એ દુનિયાના હિતમાં ના જ હોય કેમ કે તેના કારણે દુનિયામાં કટ્ટરવાદ વધે છે. કટ્ટરવાદી પરિબળો દેશ પર ચડી બેસે પછી પોતાનો પ્રભાવ વધારવા મથતા હોય છે. તેના કારણે અરાજકતા અને અશાંતિ ઉભાં થાય છે, આતંકવાદ પેદા થાય છે. ઈઝરાયલ જેવા દેશ ભાગ્યે જ બને કે જે કટ્ટરવાદને ના પોષતા હોય અને વિસ્તારવાદી ના હોય. બાકી દુનિયામાં ઈસ્લામના આધારે બનેલા દેશોને જોઈ લો. મોટા ભાગના દેશો કટ્ટરવાદને પોષે છે.
સદનસીબે શીખો મૂળભૂત રીતે કટ્ટરવાદી પ્રજા નથી તેથી ખાલિસ્તાનના વિચારને મુઠ્ઠીભર લોકોનું સમર્થન મળ્યું છે. બહુમતી શીખો આ પ્રવૃત્તિથી દૂર રહ્યા છે. તેના કારણે પંજાબને કાયમ માટે આતંકવાદની આગમાં ફેંકવાના પાકિસ્તાનના પ્રયત્નો ના ફળ્યા. એક તબક્કે બહુ વકરેલો આતંકવાદ કાબૂમાં આવી ગયો. આ આતંકવાદને કાબૂમાં લાવવાનું કામ પણ બે શીખ બિયંતસિંહ અને કેપીએસ ગિલે જ કર્યું.
કેજરીવાલ ખાલિસ્તાનના સમર્થક હશે તો પણ શીખો તેમને નહીં ફાવવા દે તેમાં શંકા નથી.શીખોમાં રાષ્ટ્રપ્રેમની ભાવના સૌથી વધારે છે તેથી બીજું કોઈપણ આ વિચારધારાને પ્રબળ ના બનાવી શકે,શીખોને ભારતથી અલગ ના કરી શકે.