આબકારી નીતિ કેસમાં આરોપી દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કોર્ટનો દરવાજા ખટખટાવ્યો છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજકે તેમના પાસપોર્ટના રિન્યુઅલ માટે એનઓસી માંગતી અરજી દાખલ કરી છે.રાઉઝ એવન્યુ કોર્ટે ઈડી અને સીબીઆઇને જવાબ માટે નોટિસ જારી કરી છે. કોર્ટે કેસની આગામી સુનાવણી ૪ જૂને નક્કી કરી છે. કેજરીવાલના વકીલે કહ્યું કે તેમનો અંગત પાસપોર્ટ ૨૦૧૮ માં સમાપ્ત થઈ ગયો હતો.
દિલ્હી હાઈકોર્ટે ૫ મેના રોજ આપ નેતાઓ અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાની અરજીઓ પર સુનાવણી ૧૨ ઓગસ્ટે સૂચિબદ્ધ કરી હતી. આ અરજીઓ કથિત એક્સાઈઝ પોલિસી કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) ની ચાર્જશીટ પર ધ્યાન આપવાના ટ્રાયલ કોર્ટના નિર્ણય સામે દાખલ કરવામાં આવી હતી. આ ઉપરાંત, ઈડી દ્વારા કેજરીવાલને આપવામાં આવેલા જામીન પર આપવામાં આવેલી અરજી પર પણ સુનાવણી કરવામાં આવી હતી. ઈડી વતી એએસજી એસવી રાજુએ કહ્યું કે,ઈડી હાલમાં જામીનની વિરુદ્ધ નથી પરંતુ ટ્રાયલ કોર્ટના આદેશમાં ઘણી ભૂલો છે જેને સુધારવી જાઈએ. તે જ સમયે, કેજરીવાલ વતી હાજર રહેલા વકીલ વિક્રમ ચૌધરીએ જામીનનો બચાવ કરતા કહ્યું કે આ કેસમાં તમામ આરોપીઓને જામીન મળી ગયા છે.
ઈડી વતી હાજર રહેલા વકીલે પણ કેજરીવાલની અરજીનો વિરોધ કરતા કહ્યું કે ૨૦૨૪માં દાખલ કરાયેલી આ અરજીઓ હવે અર્થહીન બની ગઈ છે, કારણ કે એજન્સીને જરૂરી મંજૂરી મળી ગઈ છે. એડિશનલ સોલિસિટર જનરલ એસ.વી. રાજુએ જસ્ટિસ રવિન્દ્ર દુડેજા સમક્ષ કહ્યું, “અમને મંજૂરી મળી ગઈ છે. મંજૂરી કોર્ટમાં દાખલ કરવામાં આવી છે.” જાન્યુઆરી ૨૦૨૫માં, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ઈડીને એક્સાઇઝ પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં કેજરીવાલ અને અન્ય આરોપીઓ પર કેસ ચલાવવાની મંજૂરી આપી હતી.
કેજરીવાલ વતી દાખલ કરવામાં આવેલી અરજીમાં જણાવાયું છે કે વિશેષ અદાલતે ૯ જુલાઈ, ૨૦૨૪ના રોજ મની લોન્ડરિંગ કેસમાં દાખલ કરાયેલ ચાર્જશીટ પર ધ્યાન આપ્યું હતું, જ્યારે તેમના પર કેસ ચલાવવાની કોઈ મંજૂરી નહોતી. આ મંજૂરી જરૂરી હતી, કારણ કે તે કથિત ગુના સમયે જાહેર સેવક હતા. સિસોદિયાએ પણ આવા જ વાંધા ઉઠાવ્યા છે. તેમની અરજીમાં જણાવાયું છે કે તેમની સામેના આરોપો તેમના દ્વારા જાહેર સેવક તરીકે કરવામાં આવેલા સત્તાવાર કાર્યો સાથે સંબંધિત છે, તેથી કાર્યવાહી કરવા માટે પૂર્વ મંજૂરી જરૂરી હતી. કેજરીવાલે ટ્રાયલ કોર્ટના આદેશને રદ કરવાની તેમજ કેસમાં તમામ કાર્યવાહી રદ કરવાની માંગ કરી છે.
તમને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટે ૧૨ જુલાઈ, ૨૦૨૪ ના રોજ મની લોન્ડરિંગ કેસમાં કેજરીવાલને વચગાળાના જામીન અને ૧૩ સપ્ટેમ્બર, ૨૦૨૪ ના રોજ સીબીઆઈ કેસમાં જામીન આપ્યા હતા. તે જ સમયે, સિસોદિયાને ૯ ઓગસ્ટ, ૨૦૨૪ ના રોજ ઈડી અને સીબીઆઇ બંને કેસમાં જામીન મળ્યા હતા. સીબીઆઇ અને ઈડી અનુસાર, દારૂ નીતિમાં સુધારા દરમિયાન અનિયમિતતાઓ કરવામાં આવી હતી અને લાઇસન્સ ધારકોને અનુચિત લાભ આપવામાં આવ્યા હતા. દિલ્હી સરકારે ૧૭ નવેમ્બર, ૨૦૨૧ ના રોજ આ નીતિ લાગુ કરી અને સપ્ટેમ્બર ૨૦૨૨ સુધીમાં તેને રદ કરી. દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ નીતિમાં કથિત અનિયમિતતાઓની તપાસની ભલામણ કર્યા પછી નોંધાયેલા CBI કેસમાંથી આ મની લોન્ડરિંગ કેસ ઉભો થયો હતો.