ગઈકાલે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સંબોધીને લખેલા પત્ર પર હાલ રાજકારણ ગરમાયું છે. આ પત્રમાં કેજરીવાલે ભાજપ સરકાર પર ‘આપ’ના કાર્યકરોને ખોટા કેસોમાં ફસાવીને લોકશાહીનું ગળું દબાવી રહી હોવાના આરોપ લગાવ્યા હતા. જેના વળતા જવાબમાં ભાજપ સાંસદ ધવલ પટેલે આ પત્ર વાળા મુદ્દાને પોલિટિકલ સ્ટંટ ગણાવી આપ પર ગંભીર આરોપો લગાવ્યા છે, ત્યારે આ મુદ્દે આરોપ-પ્રતિઆરોપ ઉછળતા ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો શરૂ થયો છે.
ગઈકાલે ૨જી એપ્રિલે અરવિંદ કેજરીવાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખેલા પત્ર મામલે ભાજપના પ્રવક્તા અને વલસાડ લોકસભાના સાંસદ ધવલ પટેલ કમલમ ખાતે પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે આમ આદમી પાર્ટીના નેતાએ સીએમ ભૂપેન્દ્ર પટેલને લખેલા પત્ર અંગે કરી સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, થોડા દિવસ પહેલા દિલ્હીથી આવેલા આયાતી નેતાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો હતો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સમયે દિલ્હીના નેતા આ રીતે પોલિટિકલ ડ્રામા કરે છે.
આપના અરવિંદ કેજરીવાલના નામ લીધા વિના કર્યા, સાંસદ ધવલ પટેલે કહ્યું કે, પોલિટિકલ સ્ટંટ માટે આપના નેતા માહિર છે. આવા પોલિટિકલ સ્ટંટથી રાજ્યમાં અરાજકતા ફેલાવવાના કાવતરા કરવામાં આવે છે. આપના નેતાનો ઇતિહાસ ગુનાહિત રહ્યો છે. પંજાબમાં ૧૯ માર્ચે તેમના નેતા ડ્રગ સાથે ઝડપાયા છે અને આમ આદમી પાર્ટીના અનેક નેતાઓ ગંભીર ગુનાઓમાં પકડાયા છે.










































