કોડીનાર એસટી ડેપોની મહત્વની અમદાવાદ રૂટની કૃષ્ણનગર-કોડીનાર બસના સમયમાં ફેરફાર થતાં મુસાફરોને હાલાકી પડી રહી હતી. છેલ્લા ૫૦ વર્ષથી કાર્યરત આ બસ સવારે ૮ વાગ્યાને બદલે વહેલી સવારે ૬ વાગ્યે ઉપડતી હોવાથી અનેક લોકોને તકલીફ થઈ રહી હતી. કોડીનારના એસટી પ્રશ્નો માટે સતત જાગૃત અજીતભાઈ ચાવડાએ આ અંગે અમરેલીના વિભાગીય નિયામક સોલંકીને રજૂઆત કરી હતી. તેમની રજૂઆતને ધ્યાને લઈ સોલંકી સાહેબે તપાસ કરી બસને કૃષ્ણનગરથી સવારે એક કલાક મોડી એટલે કે ૭ વાગ્યે ઉપાડવાનો આદેશ કર્યો છે. હવે આ બસ કૃષ્ણનગરથી સવારે ૭ વાગ્યે, ગીતામંદિરથી પોણા આઠે અને અમરેલીથી બપોરે દોઢ વાગ્યે ઉપડી સાંજે ૫ વાગ્યે કોડીનાર પહોંચશે. આ સમયમાં ફેરફાર થવાથી બસની આવકમાં પણ નોંધપાત્ર વધારો થયો છે.