કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ગીર સોમનાથ દ્વારા ૨૦ મેના રોજ વિશ્વ મધમાખી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસ, જે દર વર્ષે સમગ્ર વિશ્વમાં મધમાખીઓના સંરક્ષણ અને પર્યાવરણમાં તેમના યોગદાન અંગે જાગૃતિ લાવવા માટે મનાવાય છે, તેની ઉજવણી વેરાવળ તાલુકાના ચમોડા ગામ ખાતે જેઠાભાઈ રામના મધુવન મધમાખી ફાર્મ ખાતે કરવામાં આવી હતી.
આ કાર્યક્રમ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ગીર સોમનાથ, અંબુજા ફાઉન્ડેશન અને કૃષિ વિકાસ સહકારી સમિતિના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો. ગીર સોમનાથ જિલ્લાના FPO (ફાર્મર પ્રોડ્‌યુસર ઓર્ગેનાઈઝેશન) ના ખેડૂતોને મધમાખી ઉછેર અને નાળિયેરીની ખેતી વિશે વિસ્તૃત તાલીમ આપવામાં આવી હતી.
આ પ્રસંગે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ગીર સોમનાથના સિનિયર સાયન્ટિસ્ટ અને હેડ જીતેન્દ્ર સિંહ, પાક સંરક્ષણના વિષય નિષ્ણાત રમેશ રાઠોડ, બાગાયત વિભાગના અધિકારીઓ, FPO ના નયન સોલંકી, જગદીશ જોટવા તથા અન્ય સ્ટાફ મિત્રો અને મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા.