કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જુનાગઢ કૃષિ યુનિવર્સિટી, અમરેલી ખાતે ફર્ટિલાઈઝર ડીલર્સ માટે સંકલિત પોષણ વ્યવસ્થાપન અંગેના પંદર દિવસીય તાલીમ કાર્યક્રમનું સફળ સમાપન થયું. તા. ૩૦ સપ્ટેમ્બરથી ૧૫ ઓક્ટોબર ૨૦૨૪ દરમિયાન યોજાયેલા આ કાર્યક્રમમાં વિવિધ એગ્રો અને મંડળીઓના ૬૫ ડીલર્સે ભાગ લીધો હતો. તા. ૨૫ ઓક્ટોબર ૨૦૨૪ના રોજ યોજાયેલા પ્રમાણપત્ર વિતરણ સમારોહમાં જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના વિસ્તરણ શિક્ષણ નિયામક ડા. એન. બી. જાદવે મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી. તેમણે તાલીમાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કર્યા હતા અને ખેડૂતોને માટી પરીક્ષણ આધારિત ભલામણ મુજબ રાસાયણિક, જૈવિક ખાતરો અને સૂક્ષ્મ તત્વોનો સમતોલ ઉપયોગ કરવા માટે માર્ગદર્શન આપવા અનુરોધ કર્યો હતો.
કાર્યક્રમમાં સહ વિસ્તરણ શિક્ષણ નિયામક ડા. એચ. સી. છોડવડિયા, બગસરા એગ્રો એસોસિયેશનના પ્રમુખ જયસુખભાઈ ઘાડિયા, અમરેલી એગ્રો એસોસિયેશનના પ્રમુખ કે. બી. ગોંડલિયા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું આયોજન કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડા. પી. જે. પ્રજાપતિ, ડા. પ્રીતિબેન જયસ્વાલ અને એન. એમ. કાછડિયા દ્વારા કરવામાં આવ્યું હતું.